પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ માટે અનોખું પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલવે પ્રશાસન તરફથી સ્થાનિક વિસ્તારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા વેપારીઓને નજીવા દરે દુકાન ફાળવવામાં આવે છે.
જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલવે સ્ટેશન તરફથી શ્રી આઈ જી સખીમંડળને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે જેમાં હેન્ડી ક્રાફટથી બનેલ વસ્તુઓમાં ઝૂલા, લાકડાની ખાટલી,ગોળ ગાર્ડન ઝૂલા,મોટા તકિયા,નાના તકિયા, કુર્તી, ડ્રેસ મટીરીયલ જેવી સ્થાનિક ચીજ-વસ્તુઓ રેલ્વે પ્લેટફોર્મ પરથી જ સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે સખી મંડળની બહેનોને ઘર આંગણે રોજગારી પણ મળી રહેશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના લોકલ ફોર વોકલના સૂત્રને ખરા અર્થમાં ભાવનગર રેલવે સ્ટેશન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. સખી મંડળની બહેનો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને વેચાણ કરવા માટે એક મંચ મળશે, જે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.
તેમણે કહ્યું કે,આ સ્ટોલ તા.૧૪ જૂલાઇ થી ૨૬ સપ્ટેમ્બર સુધી ભાવનગર ટર્મિનલ રેલવે સ્ટેશન ખાતે કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન, મુસાફરો અને સ્થાનિક લોકો સ્વ-સહાય જૂથો દ્વારા બનાવેલી વિવિધ પ્રકારની હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો અને અન્ય ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ પહેલ માત્ર સ્વ-સહાય જૂથોની ઓળખ જ નહીં, પરંતુ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનવા અને આત્મનિર્ભર બનવા માટેની પ્રેરણા પૂરી પાડશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો આ પ્રયાસ ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં એક સાર્થક પહેલ પણ ગણાશે.
આ પ્રસંગે શ્રી આઈ જી સખીમંડળે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે,અમારી સ્થાનિક હેન્ડી ક્રાફટથી બનેલ પ્રોડક્ટને વેચાણ માટે સારૂ મંચ મળ્યું છે, તે બદલ અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
ઉદ્દધાટન વેળાએ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના DLM શ્રી ઇરફાનભાઈ ઘાંચી, MCRS વર્ટિકલ સુશ્રી ફાલ્ગુનીબેન બોરીચા,શ્રી આઈ જી સખી મંડળના પ્રમુખ ધારાબેન સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.