પાટણ. એઆર. એબીએનએસ : ઓપરેશન સિંદૂરને પગલે પાટણ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
રાજ્ય સરકારના નિર્દેશોના પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના ૭૧ ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે. હાલમાં પ્રથમ તબક્કામાં ૧૦ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઇ છે.
બીજા તબક્કામાં ૨૨ ગામો અને ત્યારબાદ બાકીના ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમ થી સજજ કરવામાં આવશે.આ સાયરન પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે.
જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે જણાવ્યું કે, સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે સાંતલપુર તાલુકાના ૭૧ ગામોમાં સાયરન સિસ્ટમ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરી શકાય અને લોકોને સલામત સ્થળે પહોંચી જવા સૂચના આપી શકાય એ હેતુથી આ સિસ્ટમ ગોઠવાઈ છે.
આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું. જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે જ્યારે પણ સાયરન વાગે ત્યારે સલામત સ્થળે ખસી જવું અને તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એનું પાલન કરવું.
સરહદી ગામ ઝઝામના રહેવાસી સુમેર સિંહ જાડેજા જણાવે છે કે અમારા ગામમાં રામજી મંદિરમાં સાયરન એલર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. યુધ્ધની પરિસ્થિતિ દરમ્યાન અમે સરકારી ગાઇડ લાઈનનું પાલન કરતા હતા.
બ્લેક આઉટ કરતા હતા. તંત્રની સાથે લોકો પણ સજજ છીએ. આ સાયરન સિસ્ટમથી લોકો વધુ સજાગ અને સજજ બનશે. તેમણે સરહદી ગામમાં આ સિસ્ટમ કાર્યરત કરવા બદલ જિલ્લા વહિવટીતંત્ર અને સરકારનો આભાર માન્યો હતો.
સરહદી ગામ ફાંગલીના રહેવાસી જેસંગભાઈ આહિરે જણાવ્યું કે સરહદ પર રહીએ છીએ એટલે અમે તો પહેલાંથી ટેવાયેલા છીએ. અહી લોકોમાં કોઈ ભયનો માહોલ હોતો નથી. સાયરન સિસ્ટમથી લોકોને સરકારી સૂચના મળી શકશે, અને લોકો વધુ જાગૃત બનશે. બ્લેક આઉટ કરવાની ખબર પડશે. અને વધુ સાવચેત રહી શકીશું. આ સિસ્ટમ બદલ ગ્રામજનો વતી તેમણે સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારશ્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ એક સાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે. રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે.
આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.