હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો અનેરો કિસ્સો અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યો છે.
વાત કરીએ તો મોરૈયા ગામની જ્યાં હિન્દૂ મુસ્લિમ કૌમી એકતાના અતૂટ દર્શન જોવા મળ્યા. મોરૈયા ગામની દીકરી અંજલિબા સીસોદીયા રાણાના લગ્ન પ્રસંગે આ દીકરીનું ગામના ઇસ્માઇલખાન મલેક દ્વારા મામેરું ભરી કૌમી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગામમાં દીકરીના લગ્ન પ્રસંગે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઇસ્માઇલખાન અને તેમના આખા પરિવારે સોનાનો સેટ, રોકડ, ઘર વખરીના સામાન સાથે ભાણીનું મામેરું ભરી એક ભાઈ સાથે દીકરીના મામા તરીકેનો પવિત્ર ધર્મ નિભાવી સમાજમાં હિન્દૂ મુસ્લિમ માટે સમાજમાં અનોખો દાખલો સમાજ માટે બેસાડ્યો છે.
આખું મોરૈયા ગામ આ કૌમી એકતાનું સાક્ષી સને સહભાગી બન્યું. વર્ષોથી અંજલીબાના માતા અને ઇસ્માઇલ ભાઈ સાથેના ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરતા તેઓના પણ વિવાહમાં સંપૂર્ણ જવાબદારી નિભાવી એક ભાઈ તરીકેનો ધર્મ નિભાવ્યો હતો ત્યારે ભાણી અંજલિબાના લગ્ન પ્રસંગે મામેરું અર્પણ કરી મામનો ધર્મ નિભાવી ખડેપગે ઉભા રહેતા જોવા મળ્યા.
મોરૈયા ગામના લોકોએ પણ આ પ્રસંગની ખૂબ સરાહના કરી અને કૌમી એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. આવા કિસ્સાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને સમાજમાં એકબીજા પ્રત્યે શાંતિ સમૃદ્ધિ, વિશ્વાસને પ્રોત્સાહન આપે છે.
વિવિધ કૌમો વચ્ચે ના ખટરાગ, દ્વેષ, કૌમ વચ્ચે ભેદભાવ રાખનાર લોકો માટે આ કિસ્સો લપડાક સમાન છે. ગુજરાત વિકસિત અને કાર્યશીલ રાજ્ય છે જ્યાં રથયાત્રા હોય કે ઇદ આજેય લોકો એકસહ મળી હિન્દૂ મુસ્લિમના અનેક પર્વને સાથે ઉજવે છે.
આ ઉદાહરણ દર્શાવે છે કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકબીજા સાથે પ્રેમ, શાંતિ અને ભાઈચારાથી જીવી શકે છે. ઇસ્માઇલખાન દ્વારા પેહલા ભાઈનો ધર્મ અને બાદમાં ભાણીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામનો ધર્મ નિભાવી એક ઉત્તમ કૌમી એકતાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે જે ખરેખર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે.