વિદ્યાર્થીઓ મોબાઇલ એડિશનમાં જે આપઘાત કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ સામુહિક ચિંતનની બાબત છે.
રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
રાજ્ય સરકારની સાથે સંસ્થાઓ અને સમાજે પણ આ દૂષણને ડામવા માટે આગળ આવવું પડશે – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સુરત ની 14 વર્ષની દીકરીને તેના શૈક્ષણિક અને ભવિષ્યના હિતમાં માતા-પિતાની સમજાવટ છતાં થયેલા દુરાચરણ અને આપઘાતની ઘટના ખૂબ જ દુ:ખદ છે. રાજ્ય સરકાર આ ઘટનાને ગંભીરતાથી લે છે અને દુઃખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના સાથે શોક વ્યક્ત કરતાં શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ રાજ્યમાં ફરી ન બને તે માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવો એ અગત્યનું છે.
રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ માટે ન માત્ર શાળાઓમાં પરંતુ સામાજિક સ્તરે પણ મૂલ્યવર્ધક અભિગમ અપનાવો જોઈએ. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યુ કે, હાલ જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસ તેમજ સરકારના ચુસ્ત નિયમોના અમલીકરણથી બાળકોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને મોબાઈલ એડિક્શન દૂર કરી શકાય છે.
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, મોબાઈલ ઉપયોગ અંગે જાગૃતિ સાથે વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોના પ્રતિબંધ માટે શાળાકક્ષાએ જુદા જુદા શિક્ષણ વિભાગના તજજ્ઞો સાથે વિચારણા કરીને રાજ્ય સરકાર નિર્ણય લેશે. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ કડક અમલ કરવો પડશે. વાલીઓને વિનંતી કરું છું નાના બાળકોને ફોન કે અન્ય ડિજિટલ ડીવાઇઝ અપાવી ન દેવો જોઈએ અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચાર સાથે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પણ ચિંતન કરી રહ્યું છે.