અમદાવાદ: કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું ત્યારે લોકડાઉન અને ત્યાર બાદ આવેલ અનલોક દ્વારા દેશભરના લોકોની જીવન શૈલીમાં બદલાવ લાવી દીધો છે એક સમયે સાથે બેસવાનો પણ સમય ન હતો ત્યાં આજે સમગ્ર કુટુંબ સાથે બેસતું જોવા મળી રહ્યું છે લોકોના જીવન જીવવાની શૈલીમાં પૂર્ણ બદલાવ જોતા લોકોનો આયુર્વેદ અને યોગ પ્રત્યે લગાવ જોવા મળી રહ્યો છે લોકો પોતાના સ્વાસ્થય માટે જાગૃત બન્યા છે
દેશની સાથે સાથે ગુજરાત પણ કોરોનાની લપેટમાં આવ્યું લોકો કોરોનાના સકંજામાં આવ્યા પરંતુ અમદાવાદીઓ ક્યાંય પાછા ન પડે તે વાતને સાર્થક કરી લોકો કોરોના સામે લડવા હામ ભીડી અને સતર્ક બની તેના સામે લડવા સક્ષમ બન્યા. કોરોનાની મહામારીમાં લોકોમાં કયો બદલાવ જોવા મળી રહ્યો છે તે અંગે જે જી કોલેજ ઓફ કોમર્સના સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રોફેસર રાજેશ સનારીયાએ 511 વ્યક્તિઓ પર સર્વે કર્યો અને પરિણામ કાંઈક અલગ જ જોવા મળ્યા રોજેરોજ અને દિવસ રાતની દોડધામથી અલગ દરેક વ્યક્તિના જીવનમાં કંઈક અલગ જ પરિવર્તન જોવા મળ્યું. લોકોએ કોરોનાના સમયમાં ઇમ્યુનિટી જળવાઈ રહે અને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે આયુર્વેદિક દવા, વ્યાયામ અને સંતુલિત આહાર પર વધુ ધ્યાન આપવાનું પસંદ કર્યું. એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં 511 વ્યક્તિઓ પર કરવામાં આવેલ સર્વે મુજબ 90 ટકા લોકો પોતાની જીવનશૈલીમાં મહત્વપૂર્ણ ફેરફાર કરી જીવન જીવી રહ્યા છે. આ સર્વે કોલેજના યુવા છાત્રો, મહિલાઓ, ગૃહિણીઓ, સિનિયર સીટીઝન, ધંધાર્થીઓ પર કરવામાં આવ્યો હતો. લોકો માની રહ્યા છે કે કોરોનાને લીધે વ્યક્તિની સાથે સાથે પારિવારિક જીવનશૈલીમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજે બેઠાડું જીવન જીવી રહેલ વ્યક્તિઓ કોરોના ની મહામારીને લીધે વ્યાયામને વધુ મહત્વ આપી રહ્યા છે સાથે સાથે ખાણીપીણી બાબતે બહારના ફૂડને આનંદથી આરોગી જતા અમદાવાદીઓ હવે ઘરનું બનેલું ફૂડ વધુ ખાવાનું પસંદ કરી રહ્યા છે.
આ પરિવર્તનને જોતા લોકો યોગ કસરત, વ્યાયામ આયુર્વેદ તરફ વળ્યા અને તેને અપનાવતા જોવા મળ્યા જેમાં યોગ વ્યાયામ કરવાનું અને સંતુલિત આહાર લેવાનું પ્રમાણ વધ્યું. કોરોના અંગેની માહિતી મેળવી તે અંગે માહિતગાર બન્યા. આયુર્વેદિક ઔષધિઓથી રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય તે તરફ લોકોનો પ્રવાહ વધ્યો. હાથ સતત ધોવા, સેનેટાઇઝ કરવા, માસ્ક પહેરી રાખવું, સામાજિક અંતર જાળવવું જેવી મહત્વની બાબતો પર વિશેષ ધ્યાન આપતા થયા છે. જેને પરિણામે આજે WHO જેવી સંસ્થા દ્વારા પણ અમદાવાદ શહેરને આદર્શ માનવામાં આવ્યું છે. કોરોના સામેની લડાઈમાં પ્રતેયક વ્યક્તિ સજાગ બની પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવી સજાગ અને સતર્ક બની એકસાથે ઉભા રહેતા જોવા મળ્યા છે. એટલે જ તો કહેવાય કે ભાઈ અમદાવાદીઓ તો અમદાવાદી જ…