સૂરત : કોરોના સામેની લડાઈમાં કોરોના વોરિયરના રૂપમાં અગણિત સેવા સંસ્થાઓ માનવીય અભિગમ સાથે અવિરતપણે જનસેવા કરી રહી છે. સુરતના ‘સેવા ફાઉન્ડેશન’ દ્વારા સતત ચોથી વાર સિવિલ હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સુવિધા માટે ૩૦૧ ઈલેકટ્રીક કીટલી અર્પણ કરવામાં આવી છે.
‘સેવા ફાઉન્ડેશન’ના સ્થાપક સભ્ય તથા દિગંબર જૈન સમાજના પ્રમુખશ્રી અભય જૈન અને યોગેશ જૈન દ્વારા સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે આ અગાઉ પણ ૬૫૦ કીટલી અને જીવન જરૂરિયાતની કીટ તથા કોરોના પેશન્ટ માટે સ્પેશિયલ યુનિફોર્મ પણ આપવામાં આવ્યા હતા.
સુરત શહેર- જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓને નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ દર્દીઓમાં ઈન્ફેકશનના ભયની સંભાવનાઓને કારણે શહેરની સેવાભાવી સંસ્થા સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી ઈલેકટ્રીક કીટલીના કારણે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ ગરમ પાણી પી શકશે, અને દરેકને ગરમ પાણીની અલાયદી વ્યવસ્થા મળી રહેશે. કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે ઇચ્છે ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરી શકશે અને તેઓને જર્મ્સ લાગી જવાનો ભય પણ નહીં રહે. આયુર્વેદિક ઉપાય તરીકે ગરમ પાણી કોરોનાગ્રસ્ત દર્દી માટે લાભદાયી અને સ્વાસ્થ્યવર્ધક છે.
સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ તંત્રએ કીટલીઓ સ્વીકારી સેવા ફાઉન્ડેશનના ઉમદા અભિગમની સરાહના કરી હતી.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડો.પ્રીતિબેન, ડો.કેતન નાયક, છાંયડો સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, સેવા ફાઉન્ડેશનનાશ્રી ગોયલજી, રાજીવ ઓમર, અનુપમ ગોયલ તથા નારી સંરક્ષણ ગૃહના રૂપલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.