જામનગર: જામનગર ખાતે ફાયર સેફટીના મુદ્દે 43 દિવસથી સિલ કરાયેલ વિભાજી હાઈસ્કૂલનું સિલ ખોલવા બાબતે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર ઓફિસમાં ધરણા યોજવામાં આવ્યા હતા.
જામનગર શહેરની સરકારી વિભાજી હાઈસ્કૂલની છેલ્લા 43 દિવસથી ફાયર સેફટીના મુદ્દે સિલ મારવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન સર્જાય અને આ સિલ ખોલવામાં આવે તે મુદ્દાને લઈ જામનગર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર અધિકારીની ઓફિસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉ તૌસિફખાન પઠાણે જણાવ્યું હતું કે આ બાબતે એક મહિના પહેલાં સરકાર દ્વારા જ ગ્રાન્ટ આપવામાં આવી નથી અને સરકારી શાળા બંધ ન કરવી જોઈએ જેની રજુઆત ફાયર અધિકારીને કરવામાં આવી હતી. હવે વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને બેસવા વર્ગ નથી અને પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓ બેસવા મજબુર બની રહ્યા છે આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તે માટે આ સિલ ખોલવા માટે આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં સિલ ખોલવા માટે શિક્ષણ કચેરી, કલેક્ટર કચેરી કે અન્ય જ્યાં જરૂર જણાશે ત્યાં અમારા પ્રયત્નો દ્વારા ધરણા અને રજુઆત કરી આ સિલ ખોલવા માટે પ્રયત્ન કરીશું.