રક્ષાબંધન નિમિત્તે ‘રક્ષાસૂત્ર’ મોકલીને અમે ગુજરાતની બહેનો માટે ભેટ માંગી રહ્યા છીએ કે વિધાનસભામાં બહેનોની વેદનાનો અવાજ ઉઠાવવામાં આવે: રેશ્માબેન પટેલ
ભાજપ સરકાર મધ્યપ્રદેશમાં મહિલાઓને 1000 રૂપિયા આપી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર દ્વારા મહિલાઓને ₹1,000 આપવામાં આવે: રેશ્માબેન પટેલ
થોડા સમય પહેલા ટામેટા અને શાકભાજીના ભાવ આસમાને ચડ્યા હતા અને હવે કઠોળના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે: રેશ્માબેન પટેલ
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે ભાજપના 156 ધારાસભ્યોને તથા આમ આદમી પાર્ટી અને બાકી ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે ‘રક્ષાસૂત્ર’ મોકલ્યું હતું અને સાથે એક પત્ર પણ લખ્યો હતો. આ દરમિયાન રેશ્માબેન પટેલે કહ્યું હતું કે, જે રીતે આપણે જાણીએ છીએ કે મોંઘવારીએ માઝા મૂકી છે અને થોડા સમય પહેલા ટામેટા અને શાકભાજીના ભાવ આસમાને ચડ્યા હતા અને હવે કઠોળના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે.
આવા સમયમાં પણ સરકાર ચૂપ બેઠી છે, એ ખૂબ જ દુઃખદાયક વાત છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી અમારું માનવું છે કે, હવે આ વાત ફક્ત સમાચાર અને રોડ ઉપર જ સીમિત ન રહે અને ગૃહિણીઓની વેદનાનો અવાજ વિધાનસભા ગૃહમાં પણ ગુંજવો જોઈએ.
માટે અમે ભાજપના 156 ધારાસભ્યોને તથા આમ આદમી પાર્ટી અને બાકી ધારાસભ્યોને રક્ષાબંધન નિમિત્તે રક્ષા સૂત્ર મોકલી રહ્યા છીએ અને ગુજરાતની બહેનો માટે ભેટ માંગી રહ્યા છીએ. અમારું આવેદન એ જ છે કે આ બહેરી સરકાર પોતાના કાન ખોલે અને વિધાનસભામાં બહેનોની વેદનાનો અવાજ ઉઠવો જોઈએ.
સાથે સાથે મધ્ય પ્રદેશમાં જે રીતે ભાજપ સરકાર દરેક મહિલાઓને ₹1,000 રૂપિયા આપી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર બહેનોને ₹1,000 આપે એવી અમારી માંગણી છે. અમને આશા છે કે ગુજરાતની બહેનોની વેદનાનો અવાજ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને બહેરી સરકારના કાન ખોલવામાં આવશે.