કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મતદારોને રીઝવવા માટે અવનવા નુસખા જોવા મળતા હોય છે. અરવલ્લીની આદિવાસી રિઝર્વ 30- ભીલોડા બેઠક પર ભાજપ ઉમેદવારે આદિવાસી નૃત્ય સાથે પ્રચાર કર્યો હતો. ભાજપ તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાયા હતાં.
આ બેઠક ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે 30-ભિલોડા વિધાનસભા બેઠકમાં ભિલોડા અને મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી વધુ આદિવાસી મતદારો ધરાવતો અને ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો મતવિસ્તાર છે. આ બેઠક ત્રણ ટર્મથી કોંગ્રેસના ઉમેદાર ચૂંટાય છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયરાના અવસાન બાદ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ ભિલોડા બેઠક માટે પૂર્વ અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ રાજુ પારઘીને ટિકિટ આપી છે. જ્યારે ભાજપમાંથી પૂર્વ IPS પી.સી. બરંડાને ફરી મેદાનમાં ઉતર્યા છે.
ભીલોડા બેઠક પર ભારે રાજકીય ગરમાવો ભિલોડા બેઠક પર આ ચૂંટણીમાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો હતો. આ બેઠક ખાસ આદિવાસી રિઝર્વ બેઠક છે. આદિવાસી સમાજનું હોળી સમયે ઢોલના તાલે કરાતું રૂઢિગત નૃત્ય ખૂબ જ પ્રચલિત છે. ત્યારે પી.સી.બરંડા, પિતાના અવસાન બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેવલ જોષીયરા.
આદિવાસી ભાજપ અગ્રણી રાજુ નિનામાં, તાલુકા પંચાયત પ્રમુખ તરલિકા તાબિયાળ સહિત મોટી સંખ્યામાં મતદારો ભિલોડાના રામપુરી ગામે ઢોલના તાલે જુમ્યા હતાં. જ્યારે ભાજપ ઉમેદવાર પી.સી.બરંડા મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે પહોંચ્યા હતા. ત્યારે મતદારોએ ઉમેદવારને ખભે બેસાડી શરણાઈના સૂર અને ઢોલના તાલે નચાવ્યાં હતા. આ વખતે જાણે ચૂંટણી પહેલા જ જીતનું જશ્ન માનવતા હોય તેવા દ્રશયો જોવા મળ્યા હતાં. આ સમયે મેઘરજના અને જિલ્લા ભાજપ અગ્રણી ભીખાજી ડામોર, ભેમાપુર સરપંચ ઈશ્વર કટારા, ભાજપ તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાયા હતાં. આમ ભીલોડા બેઠક પર ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.