વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં જિલ્લામાં ૭૦૬૬ રજીસ્ટ્રેશન થઈ ચુક્યા છે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમતગમત ક્ષેત્રે છૂપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશને સારા ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે, પરંતુ કોરોનાના ગ્રહણથી અગાઉના ખેલમહાકુંભને સ્થગિત કરવો પડ્યો હતો. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્યસરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રજિસ્ટ્રેશન ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનો શુભારંભ કરાવતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મૂક્યું છે
વર્ષ ૨૦૧૯માં આયોજિત ખેલમહાકુંભમાં ૩૬ રમતો હતી, જ્યારે આ વર્ષે ૨૯ રમતો સામેલ કરાઈ છે. વર્ષ ૨૦૧૯માં સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૬ રમતો માટે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી ૧,૪૯,૯૬૩ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૧,૨૪,૪૭૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને ૨૨૯૦ રમતવીરોએ વિવિધ મેડલો હાંસલ કર્યા હતાં. આ ઉપરાંત રૂ.૪૧,૦૮,૭૫૦ લાખના ઈનામો મેળવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં જિલ્લામાં ૭૦૬૬ રજિસ્ટ્રેશન થઈ ચુક્યા છે.
ખેલમહાકુંભમાં અન્ડર-૯, અન્ડર-૧૪, અન્ડર-૧૭ તથા ઓપન એઈજ સિનીયર ગ્રુપમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગ્રામીણ વિસ્તારના રમતવીરો પોતાની ગ્રામપંચાયત ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની શાળા-કોલેજમાં પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા રમત ગમતની કચેરીનો સંપર્ક કરી શકાય છે.
ખેલમહાકુંભની વિશેષતા એ છે કે, ખેલાડીઓના રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આ રમતોત્સવ આશીર્વાદરૂપ બન્યો છે. રાજ્યના યુવાધનમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ખેલમહાકુંભ એક મહત્વનુ માધ્યમ બન્યું છે. દરેક નાગરિક નાનપણથી જ રમત પ્રત્યે આકર્ષાય, શારીરિક સાથે માનસિક શક્તિને ખિલવે અને તંદુરસ્ત રહે તેવી પણ સરકારની ભાવના આ ખેલ મહાકુંભ પાછળ રહેલી છે.