એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પંચમહાલ સંચાલિત ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાઓ સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે યોજાઇ હતી.
આ સ્પર્ધામાં ગોધરા તાલુકાના અં-૯, ૧૧, ૧૪ તથા ઓપન વિભાગમાં ૧૨૮૦ ભાઇઓ તથા ૮૬૨ બહેનોએ તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ અને દ્વિતિય ક્રમાંકે વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં તા.૩૧/૦૧/૨૦૨૫ તથા ૦૧/૦૨/૨૦૨૫ ના રોજ ગોધરા તાલુકાનું પ્રતિનીધીત્વ કરશે.રાજ્યના વિવિધ વિસ્તારોના ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે અને તેઓ તાલુકાકક્ષાએથી ખેલકુદમાં આગળ વધે અને જિલ્લા, રાજ્ય કક્ષાએ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.