ભાવનગરમાં ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓનું કુમકુમ તિલક અને હારતોરા પહેરાવી મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા દ્વારા સ્વાગત કરાયું
ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગની ઇવેન્ટના ખેલાડીઓનું આગમન
ભાવનગરમાં ગુજરાત અને તમિલનાડુના ટેબલ ટેનિસ ટેનિસ કબડ્ડી વોલીબોલ અને સ્વિમિંગની ઇવેન્ટના ખેલાડીઓનું કુમકુમ તિલક અને હારતોરા પહેરાવીને, પુષ્પ આપીને સ્વાગત મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે.આ પ્રસંગે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22 અને 23 એપ્રિલ, 2023ના રોજ ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગના ખેલાડીઓ ભાગ લેશે. જે અંતર્ગત આજરોજ ખેલાડીઓનું ભાવનગર ખાતે આગમન થયું હતું. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમજ તમિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.
તમિલનાડુના ખેલાડીઓ તેઓના અદકેરા સ્વાગત થી ખુબ જ અભિભૂત થયા હતા અને હર્ષની લાગણી અનુભવી હતી.
આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, શ્રી અભયસિંહ ચૌહાણ, રમત ગમત અધિકારી શ્રી દિવ્યરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.