ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત સંકુલ, સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે, 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીએ તેમની રમત દરમિયાન 400 થી વધુ ગોલ કર્યાં હતા, ભારત દેશને 3 જેટલાં ગોલ્ડ મેડલ અપનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે ત્યારે આજે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોવાનું ગૌરવ છે.
તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સહુ સાથે મળીને આ સંકલ્પને સાકાર કરવા સહભાગી બનીએ.
તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, હું જ્યારે સર પી.પી.સાયન્સ કોલેજની વિદ્યાર્થીની હતી ત્યારે એથલેટિક્સ ચેમ્પિયન રહી ચૂકી છું.
ખેલ મહાકુંભ સ્પર્ધા અને સાંસદ ખેલ મહોત્સવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ખેલ મહાકુંભ-2025 શુભારંભનો આજથી શુભારંભ થયો છે તેની સાથો સાથ સાસંદ ખેલ મહોત્સવ સ્પર્ધાના રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે. જેમાં 8 જેટલી વ્યક્તિગત અને 5 જેટલી રમતો ટીમ દ્વારા રમાશે. જેમાં વધુને વધુ રમતોમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યાએ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, નાનપણમાં હું જ્યારે દોડ સ્પર્ધામાં ભાગ લેતી ત્યારે હંમેશા પ્રથમ સ્થાન જ પ્રાપ્ત કરતી હતી. દરેક લોકોએ કોઈને કોઈ રમતોમાં ભાગ લેવા તેમણે આહ્વાન કર્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલે રમતવીરોને બિરદાવતાં જણાવ્યું હતું કે, હું જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને અભ્યાસમાં રુચિ હતી, એમાં હું હોશિયાર હતો પરંતુ રમતોથી હું દૂર રહ્યો છું. પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે, કોઈ એક રમતમાં હું પ્રવિણતા પ્રાપ્ત કરીશ. દરેક રમતવીરોને કોઈ એક રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમતગમત અધિકારીશ્રી નરેશકુમાર ગોહિલે સૌને આવકારી કાર્યક્રમમી રૂપરેખા આપી હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કમિશનર શ્રી એન.કે.મીણા,મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.