સુરતનાં મોટા વરાછા સ્થિત સુદામા કા રાજા 6g ખાતે સમાજ હિતાર્થે એક અનોખું અને માનવસેવાનું પ્રત્યક્ષ ઉદાહરણરૂપ કાર્ય કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે અહીં મોક્ષરથનું નિર્માણ કરીને અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે સમાજના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધા પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનો ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમાજ ઉપયોગી કાર્યમાં SBC Cooling Pvt. Ltd. ના રાજેશભાઈ ઘેલાણી સહયોગી દાતા તરીકે જોડાયા હતા. તેમના આ સેવાભાવી યોગદાનથી હવે સમાજમાં અંતિમવિધિના સમયે મુશ્કેલીઓ ઓછી થશે અને માનવતા માટે એક મોટું પાયાનું પગલું ભરાયું છે.
આ અવસરે મહેમાન તરીકે વલ્લભભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, જીવરાજભાઈ ધારુકા, રામજીભાઈ ઈટાલિયા અને સુરત શહેર પ્રમુખ પરેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.
વિશેષ પ્રસંગે, સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષના નિમિત્તે સરદારકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પ્રસિદ્ધ વકતા એવા શૈલેષભાઈ સગપરિયાએ રજૂ કરી હતી, જયારે આ કાર્યક્રમ ગોપાલભાઈ ચમારડીના સૌજન્યથી યોજાયો હતો.
આ પ્રસંગે સૌ મહેમાનોએ સુદામા કા રાજાના મંચ પરથી સમાજને આપેલ આ નવીન અર્પણને માનવતા માટેનું એક પ્રેરણાત્મક પગલું ગણાવ્યું. સમાજના સેવાભાવી દાતાઓ અને આગેવાનોના સહકારથી આવી સેવા યોજનાઓ સતત આગળ વધે છે, તે સૌ માટે ગૌરવની બાબત છે.