surat

ઝિમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બે દિવસીય સુરત મુલાકાતનો આરંભ

પ્રથમ દિવસે હીરા-ટેક્સ્ટાઈલ એકમો અને સુમુલ ડેરીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત

ચેમ્બરના આમંત્રણને પગલે સુરત આવેલા ઉપ રાષ્ટ્રપતિને મેયર, કલેક્ટર-પોલીસ કમિશનર અને ચેમ્બર પ્રમુખે આવકાર્યા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રીઓ માનનીય શ્રી રાજ મોદી (નાયબ મંત્રી- ઉદ્યોગ અને વાણિજ્ય) અને શ્રી ટોંગાઈ માફીદી મનાંગાગ્વા (નાયબ મંત્રી – પર્યટન અને આતિથ્ય સત્કાર), ઝિમ્બાબ્વેના માનનીય એમ્બેસેડર શ્રીમતી સ્ટેલા એનકોમો અને ટોચના સચિવો સાથેનું પ્રતિનિધિમંડળ આજથી બે દિવસ સુરતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો ઉદ્દેશ ઝિમ્બાબ્વે અને સુરતના ઔદ્યોગિક સમુદાય વચ્ચે વેપાર અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે આગમન વખતે ઉપરાષ્ટ્રપતિ શ્રી ચિવેંગા અને તેમનાં પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું ઔપચારિક સ્વાગત કરાયું હતું. સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણી, સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી ગેહલોટ, સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને એસજીસીસીઆઈના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા અને ખજાનચી CA મિતિષ મોદીએ તેમને આવકાર્યા હતા.

પ્રથમ દિવસ: સુરતની ઔદ્યોગિક શક્તિનો પરિચય
તેમની મુલાકાતના પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ શ્રી ચિવેન્ગાએ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત કાપડ, હીરા અને ડેરી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સુરતની સમૃદ્ધ ઔદ્યોગિક સ્થિતિનું અન્વેષણ કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ મુખ્ય સંસ્થાઓની મુલાકાત લીધી હતીઃ

1. હરેકૃષ્ણ એક્સપોર્ટ: ઉપરાષ્ટ્રપતિએ ઉચ્ચ ગુણવત્તાવાળા હીરા કટીંગ, પોલિશિંગ અને નિકાસ-લક્ષી કામગીરી માટે પ્રખ્યાત અને હીરા ઉદ્યોગમાં અગ્રણી નામ હરેકૃષ્ણ એક્સપોર્ટ્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શ્રી સવજીભાઈ ધોળકિયાએ રજૂઆત કરી કે તમે જે કંઈ તક આપશો એ ઝડપવા અમે તૈયાર છીએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઝિમ્બાબ્વેમાં આપ સૌનું સ્વાગત કરવા અમે આતુર છીએ.

2. ઐશ્વર્યા ડાઈંગ મિલ: ઉપરાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળે કડોદરાની પ્રખ્યાત ઐશ્વર્યા ડાઈંગ મિલની મુલાકાત પણ લીધી અને સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ, મેન મેડ ફાયબર વિશે તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે આ મિલના માલિક શ્રી રમેશભાઈ ડુમસિયા સાથે ચર્ચા કરી હતી.

3. સુમુલ ડેરી: ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુમુલ ડેરીની મુલાકાત દરમ્યાન દૂધ કલેક્શનથી લઈને વિતરણ સુધીની વ્યવસ્થાની માહિતી મેળવી અને સુમુલના સહકારી મૉડલ વિશે જાણીને આશ્ચર્યચકિત થયા હતા. તેમણે ડેરી ટેકનોલોજીના આદાનપ્રદાનમાં પણ રસ દાખવ્યો હતો. આ મુલાકાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીના ચેરમેન શ્રી મિનેષ શાહ, માજી ડિરેક્ટર તેમજ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ અને સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ પુરોહિત તેમજ વહીવટદાર શ્રી એચ. આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આવતી કાલે બીજા દિવસે
તા. ર૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧:૧૦ કલાકે કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે.

આ ઉપરાંત સાંજે ૪: ૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *