અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા બહેનોના આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગણેશોત્સવના પવિત્ર અવસરે ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. વિરમગામની એક સેવાભાવી સંસ્થા સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયાના સહયોગથી વિરમગામની ૧૨૫ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને તાલુકા હેલ્થ ઓફિસમાં મિસિસ યુનાઇટેડ નેશન્સ-2017 શ્રી નીપા સિંધની ઉપસ્થિતમાં પ્રતિકાત્મક રૂપે 10 સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવી હતી. બાકીના ૧૧૫ સગર્ભા બહેનોને આશાવર્કર દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન સાંકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જાઇએ. છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવે છે.
જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તેમને શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૩ તપાસ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કરાવવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન પોતાની ઋચી અનુસારના પુસ્તકો તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ, આશાવર્કર બહેનો , તાલુકાના અગ્રણીઓ અને સ્ટેપ અહેડ પોઝિટિવ મિડીયા ના વંદના નીલકંઠ વાસુકિયા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.