૨૫ હજારથી વધુ માઇભક્તોએ વ્યસન મુક્તિ પ્રદર્શનનો લાભ લીધો:
૧૨ પોલીસ કર્મી સહિત ૩૦૧ માઇભક્તોએ વ્યસનને તિલાંજલિ આપવાના સંકલ્પ લીધા
ભાદરવી પૂર્ણિમા દરમ્યાન ભારતભરના સર્વ શક્તિપીઠોમાં મા ના હ્રદય સ્થાન સમાન એવા પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં મા ભગવતીના ચરણોમાં શિષ ઝુકાવી લાખો શ્રધ્ધાળુઓ ધન્ય બન્યાં છે. દર વર્ષે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીમાં પદયાત્રા કરી પધારે છે. જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે. ભાદરવી પૂનમ–૨૦૨૧ દરમ્યાન બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી મા અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગાયત્રી તીર્થ અંબાજી દ્વારા વ્યસનમુક્તિ માટે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
ભાદરવી પૂનમ-૨૦૨૧માં મા અંબેના દર્શનાર્થે તથા પદયાત્રા કરી લાખોની સંખ્યામાં માઇભક્તો આવ્યાં છે, જે દરેક માઇભક્તોના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને નિરોગી તથા દિર્ધાર્યુ જીવન માટે વ્યસનમુક્તિ પ્રદર્શન તા.૧૫ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી રાખવામાં આવ્યું હતું. જેમાં ૨૫ હજારથી વધુ માઇભક્તોએ વ્યસન મુક્તિના પ્રદર્શનનો લાભ લીધો હતો. આ પ્રદર્શન દ્વારા વ્યસનથી થતી બિમારીઓ વિશે સમજાવવામાં આવ્યું હતું, પોતાની જાત-આત્મદર્શન કરી પોતાના પરિવારને સુખી, નિરોગી, તંદુરસ્ત અને નિરોગી રાખવા તેમજ સ્વેચ્છાએ વ્યસનરૂપી રાક્ષસની ચુંગાલમાંથી છૂટકારો મેળવવા મા અંબેના ચાચર ચોકમાં ૩૦૧ માઇભક્તોએ મા ના આશીર્વાદ લઈ હવે પછી પોતાના જીવનમાં ક્યારેય વ્યસનન નહીં કરવાના સંકલ્પ લઈ વ્યસનને તિલાંજલિ આપી હતી.
વધુમાં સોનામાં સુગંધ ભળે તેમ મા અંબે સાનિધ્યની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા માટે સતત ખડે પગે રહેનાર પોલીસકર્મી ભાઈ-બહેનોએ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલના અધ્યક્ષસ્થાને વ્યસન મુક્તિની ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં શ્રી આર.કે.પટેલ ડાહીબેન પટેલ, જયેશભાઈ કંસારાએ વ્યસનોથી થતી બરબાદી અને નુકશાન અંગે પોલીસ કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ૧૨ જેટલાં પોલીસ કર્મીઓએ વ્યસનમુક્તિનો સંકલ્પ લઇ વ્યસનોને લાત મારી હતી.
આ સમગ્ર સકારાત્મક કાર્યને સફળ બનાવવા અંબાજી ગાયત્રી તીર્થ અંબાજીના ટ્રસ્ટશ્રી શંકરભાઈ તથા સમકાલીન ટીમ અને શ્રી જયેશભાઈ કંસારા, મંજુલાબેન, એ. સી. પટેલ તેમજ ગાયત્રી તીર્થ અંબાજીના કાર્ય સેવકોએ સેવાકાર્યનુ બીડુ ઝડપ્યું હતું.
પ્રહલાદ પૂજારી અંબાજી