પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આવેલ ગબ્બર ડુંગરાળ વિસ્તાર અને કોટેશ્વર ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી કમ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ અને નાયબ વન સંરક્ષકશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીના હસ્તે ગબ્બર ખાતે કદમ અને કોટેશ્વર ખાતે બિલીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો અને હરીયાળો બનાવવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, દાંતા- અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવી તેનો ઉછેર કરી જિલ્લાને લીલોછમ- હરીયાળો બનાવીએ. તેમણે કહ્યું કે, ખેડુતો પોતાના ખેતરના શેઢે-પાળે ફળાઉ રોપાઓનું વાવેતર કરે તથા શહેરી વિસ્તારમાં પણ પણ લોકો સુશોભિત રોપાઓનું વાવેતર કરે તે રીતે રોપાઓનું વિતરણ કરી પ્રકૃતિનું જતન કરીએ. તેમણે વન વિભાગને સુચના આપતાં કહ્યું કે, કોટેશ્વર મંદિરની સામે હરીયાળું વન બનાવવા પ્રયાસો હાથ ધરીએ.
વૃક્ષારોપણ પ્રસંગે મદદનીશ વન સંરક્ષકશ્રી રિતેશ ગેલોત, અંબાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પી. એમ. ભુતડીયા સહિત અંબાજી વન વિભાગની કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પ્રહલાદ પૂજારી અંબાજી