જામનગર : મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનું મહિલા સુરક્ષા અને મહિલાઓની સહાય હેતુ કામગીરી કરતી સખી વનસ્ટોપ સેન્ટર અનેક મહિલાઓની સખી બની તેમના જીવનના સંઘર્ષમય પડાવોમાં સાચી સખી બની છે. જામનગરમાં પણ સખી વન સ્ટોપ સેન્ટરની સખીઓએ આવી જ ઉમદા ફરજ બજાવી મધ્યપ્રદેશની માનસિક અસ્થિર ફુલબાઇનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે.
થોડાં દિવસો પહેલા જામનગરનાં પીપળી રેલવે-સ્ટેશન નજીક રેલ્વે કર્મીઓને એક અજાણી મહિલા રખડતી-ભટકતી જોવા મળી હતી. રેલ્વે કર્મચારીઓ દ્વારા મહિલા સાથે વાતચીત કરતા મહિલાની ભાષા સમજમાં ન આવતી હોવાથી રેલ્વે કર્મચારીએ આ મહિલાને રેલ્વે પોલીસ-સ્ટેશનને સોંપેલ હતી. રેલ્વે પોલીસ દ્વારા મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ “સખી” વન સ્ટોપ સેન્ટર જામનગરનો સંપર્ક કરી સેંટર પર આશ્રય અપાવવામાં આવ્યો હતો. “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા બહેન સાથે વાતચીત કરતા બહેન યોગ્ય રીતે પ્રતિભાવ આપતા ન હોય તેમને વિશ્વાસમાં લઈને કાઉન્સેલિંગ કરી તેમની ભાષા સમજવા પ્રયાસ કરવામાં આવેલ. આશ્રય દરમિયાન તેઓ માનસિક અસ્વસ્થ હોવાનું જણાતા સખી વનસ્ટોપની સખીઓએ મહિલાને વિશ્વાસ અપાવી તેની મિત્ર બની મહિલાને સેન્ટરમાં યોગ્ય વાતાવરણમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાના સામાનમાં તેમનું આધારકાર્ડ મળી આવતા તેમનું નામ ફુલબાઈ ગોપાલભાઈ ઉંમર-૫૫ વર્ષ રહે-મધ્યપ્રદેશ જાણવા મળ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભીને જાણ થતાં તેમના માર્ગદર્શન મુજબ સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા આધારકાર્ડના આધારે મહિલાના પરિવારનો સંપર્ક કરવા ઈન્ટરનેટના માધ્યમથી મધ્યપ્રદેશ વિદિસા પોલીસ-સ્ટેશન અને ગંજબસોદા પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરી આ મહિલા વિશેની માહિતી આપી હતી. ગંજબસોદા પોલીસ-સ્ટેશન દ્વારા મહિલાના પરિવારજનોનો સંપર્ક નંબર શોધી જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરને પ્રાપ્ત થતા નંબરના આધારે મહિલાના પરિવાર સાથે ટેલિફોનિક વાત થયેલ અને પરિવારજનો પાસેથી જાણવા મળેલું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી છેલ્લા ત્રણ ચાર માસથી ઘરેથી નીકળી ગયેલ અને ભુલા પડી ગુજરાતના જામનગર જીલ્લામાં આવી પહોંચેલ છે.
આ દરમ્યાન સખી વન સ્ટોપ સેન્ટરમાં આ મહિલાની સાર સંભાળ લેવામાં આવતી અને તે જમતા ન હોવાથી સેન્ટરના કર્મચારીઓ તેમને સાથે બેસી જમાડતાને પરિવારજન સમાન સંભાળ કરતા હતા. મહિલાના મોટા પુત્ર સાથે વાત કરતા જાણવા મળેલ કે, ફુલબાઇના પુત્ર, પુત્રવધુ, અને દિકરી-જમાઈ થોડા દિવસ અગાઉ જ રોજગાર અર્થે ગુજરાતના મોરબી જીલ્લામાં આવેલ છે. આ માહિતીના આધારે મહિલાને પરિવારજનો સાથે વિડીયો કૉલ દ્વારા વાત કરાવતા વાતચીત દરમિયાન તેમણે માનસિક શાંતિ અનુભવી હતી. તેમના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળેલ કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેથી તેઓ તેમની માતાને જામનગર લેવા માટે આવી શકે તેમ ન હોઈ તેથી જામનગર જીલ્લાના મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીની સૂચના અનુસાર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર દ્વારા મહિલાને મોરબી ખાતે તેમના પુત્ર, પુત્રવધુ, અને દિકરી- જમાઈ સાથે પુનઃમિલન કરાવ્યું હતું. પરિવારને માતા અને ફૂલબાઇને પોતાના બાળકોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહિલાના પરિવારજનોએ ખૂબ ખુશ થઇ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ એક મહિલાને પરિજનો સાથે મેળાપ કરાવવા જામનગરની સખીઓએ પોતાના પરિજન સમાન લાગણીથી કાર્ય હાથ ધર્યું હતું. ત્યારે માત્ર જામનગર એક જ નહી ગુજરાતની અનેક મહિલાઓની વ્હારે મિત્ર સમાન બની તેમને મદદરૂપ બનવા સરકારશ્રી તરફથી આ સખીઓ સતત ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે.