અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. એર હેડક્વાર્ટર, પશ્ચિમી એર કમાન્ડ, પૂર્વીય એર કમાન્ડ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ, સેન્ટ્રલ એર કમાન્ડ, દક્ષિણી એર કમાન્ડ, તાલીમ કમાન્ડ અને મેન્ટેનન્સ કમાન્ડની ટીમોએ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સશસ્ત્ર દળોમાં શુટિંગ મુખ્ય ઇચ્છિત ક્ષેત્રોમાંથી એક ગણાય છે.
રમત તરીકે શુટિંગ કોઇપણ વ્યક્તિને તંદુરસ્ત રાખવાની સાથે સાથે તેમનામાં ટીમની ભાવના અને સ્પર્ધકોમાં સંઘભાવનાને આગળ વધારે છે. આ ચેમ્પિયનશીપના આયોજનનો ઉદ્દેશ ભારતીય વાયુસેનામાં શુટિંગને એક રમત તરીકે પ્રોત્સાહન આપવાનો અને ભારતીય વાયુસેના શુટિંગ ટીમ માટે શ્રેષ્ઠ શુટર્સ શોધવાનો હતો. ભારતીય વાયુસેનાના કર્મીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે શુટિંગમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી છે. જુનિયર વોરંટ ઓફિસર દીપક કુમારે 2018 એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો. 2019માં દોહામાં યોજાયેલી 14મી એશિયન શુટિંગ ચેમ્પિયનશીપમાં તેઓ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. જુનિયર વોરંટ ઓફિસર દીપક કુમારે જુલાઇ 2021માં ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ ચેમ્પિયનશીપનું સમાપન 26 નવેમ્બર 2021ના રોજ થયું હતું. પશ્ચિમી એર કમાન્ડ ટીમે પ્રથમ સ્થાન જીત્યું હતું જ્યારે ત્યારપછી બીજા અને ત્રીજા સ્થાન પર અનુક્રમે સેન્ટ્રલ એર કમાન્ડ અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડની ટીમો વિજેતા થઇ હતી.