અનુપમ મિશન એ એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે. દેશ-વિદેશમાં આવેલાં તેનાં અનેક કેન્દ્રો દ્વારા અધ્યાત્મ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે સેવારત છે.
અનુપમ મિશન-યુ.કે.ને આજે તેના હાલના ડેન્હમ, બકિંગહામશાયર સ્થિત કેમ્પસમાં મંદિર અને સામુદાયિક સેવાકેન્દ્રની બાજુમાં એક અત્યાધુનિક હિન્દુ અંતિમક્રિયાધામ નિર્માણ કરવા માટે મંજૂરી મળી. હવે કેમ્પસમાં હિન્દુઓ માટેના પ્રથમ અંતિમક્રિયાધામનું નિર્માણ કરાશે.
સ્થાનિક સત્તામંડળના આયોજન નિરીક્ષકે ખૂબ જ વિશિષ્ટ સંજોગોને સ્વીકારી ગ્રીન બેલ્ટની જમીન પર અંતિમક્રિયાધામના મકાનની જરૂરિયાતને યોગ્ય ઠેરવી છે. ખાસ કરીને, આયોજન નિરીક્ષકે નોંધ્યું હતું કે, આસ્થા અને સાંસ્કૃતિક કારણોસર, ઉત્તર અને પશ્ચિમ લંડન અને આસપાસની કાઉન્ટીઓમાં વસતો હિન્દુ સમુદાય અંતિમસંસ્કાર અને અગ્નિસંસ્કાર માટે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓનું સંપૂર્ણ પાલન કરવાની તકથી વંચિત છે.
ખાસ કરીને, આ વિસ્તારમાં હાલમાં સ્થિત અંતિમક્રિયાગૃહોમાં પાર્કિંગ અને જરૂરી સગવડોના અભાવના કારણે આ ગૃહોમાં હિન્દુ સંસ્કારો અને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર આપવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તેમજ આવાં અંતિમગૃહો પણ પૂરતા પ્રમાણમાં નથી. તેથી હિન્દુ સમુદાય માટે ગુણવત્તાયુક્ત, શુભ અને યોગ્ય અંતિમસંસ્કારની સગવડ પ્રદાન કરવા માટે દરખાસ્તો કરવામાં આવી હતી, પરંતુ, હાલમાં આવી દરખાસ્તો આ દેશમાં ગ્રાહ્ય ગણવામાં આવતી નથી.
અંતિમક્રિયાધામની ઇમારતની ડિઝાઇન જરૂરી સંલગ્ન સુવિધાઓ અને ખાસ કરીને હિંદુ સમુદાયની જરૂરિયાતો પૂરી થાય તે રીતે આર્કિટેક્ચરલ રીતે તૈયાર કરવામાં આવી છે. ઇમારતની ડિઝાઈનના પ્રસ્તાવમાં બે પ્રતીક્ષા રૂમ, અગ્નિસંસ્કાર પૂર્વેની વિધિ માટે બે અલાયદા ધાર્મિક ખંડ, એક વિશાળ હોલ અને અંતિમક્રિયાગૃહનો સમાવેશ થાય છે. એક અલગ કેન્ટિન બિલ્ડીંગ પણ છે, જેમાં ડાઇનિંગ, સીટીંગ અને સ્નાન કરવા માટેની સગવડો છે. આ સુવિધાને કારણે અગ્નિસંસ્કાર કર્યા બાદ ધાર્મિક સ્નાન તેમજ ધાર્મિક જમણ પણ શક્ય બનશે. તેમજ કારપાર્કિંગ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
અનુપમ મિશનને હિન્દુ સમુદાય વતી કરેલી અપીલની સુનાવણી દરમિયાન લોર્ડ જીતેશ ગઢિયા અને બોબ બ્લેકમેન એમ.પી. અરજીની તરફેણમાં બોલતાં, આ દરખાસ્તના સમર્થનમાં ૨,000થી વધુ સહીઓ પ્રાપ્ત થઈ હતી.
આ નિર્ણયનું સ્વાગત કરતાં અનુપમ મિશનના અધ્યક્ષ સંતભગવંત પરમ પૂજ્ય સાહેબજીએ કહ્યું : “આ મહત્ત્વપૂર્ણ નિર્ણય દ્વારા અનુપમ મિશન-યુ.કે.ને હિન્દુ સમુદાયની સેવા કરવાની જે તક મળી છે તેને અમે આવકારીએ છીએ. આપણાં હિન્દુ રીતિ-રિવાજો અને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર કરવાથી મૃતકના આત્માને મુક્તિ મળે છે અને આવા સંવેદનશીલ સમયમાં પરિવારજનોને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ડેન્હમમાં અમારા વિશાળ-૧૫ એકરમાં ફેલાયેલા પ્રાકૃતિક અને આધ્યાત્મિક કેમ્પસ-બ્રહ્મજ્યોતિમાં નવા બનેલા મંદિરની આધુનિક સુવિધાઓ સાથે, આ અંતિમક્રિયાધામ એ માનવસેવા માટે એક આદર્શ સ્થાન પૂરું પાડશે. અમે અમારા આ વિઝનને સમગ્ર સમુદાય સુધી પહોંચાડવા માટે તમામ હિંદુ સંગઠનો સાથે કામ કરવા માટે પણ તૈયાર છીએ.”
લોર્ડ જીતેશ ગઢિયાએ ઉમેર્યું : “યુ.કે.માં હિન્દુ સમુદાય માટે આ એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. આપણામાંનાં ઘણાંએ આપણા સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા અને આપણી સાંસ્કૃતિક અને સામાજિક જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ અને વધુ સારી સુવિધાઓ મળે તે હેતુથી હિંદુ અંતિમક્રિયાધામના નિર્માણ માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી છે. હું અનુપમ મિશન-યુ.કે.ને આવાં આયોજન માટેની અરજી તથા અપીલ માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ અભિનંદન આપું છું. આયોજન નિરીક્ષક ખૂબ જ વિશિષ્ટ સંજોગોને જાણે છે અને તેઓનો આવકારદાયક ચુકાદો હિન્દુ સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટેનો છે, જે આનંદની બાબત છે. હું આશા રાખું છું કે, આ નિર્ણય હિન્દુ, શીખ અને જૈન વસ્તી ધરાવતા વિસ્તારોમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની બાબતોને ધ્યાનમાં લેવા ઉપયોગી બનશે.”
સંતભગવંત પરમ પૂજ્ય સાહેબજીએ આ પ્રસંગે અનુપમ મિશનની આંતરરાષ્ટ્રિય સમિતિના પ્રમુખ શ્રી સતીષભાઈ, અનુપમ મિશન-યુ.કે.ના પ્રમુખ શ્રી વિનુભાઈ નકારજા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પોપટ, મંત્રી શ્રી સાધુ હિંમતદાસજી અને સૌ સંતો, હરિભક્તોને પોતાના આશીર્વાદ પાઠવીને પ્રસન્તા વ્યક્ત કરી હતી.
અનુપમ મિશન-યુ.કે.ના કેમ્પસમાં પ્રસ્તાવિત નવા અંતિમક્રિયાધામની પ્રતિકૃતિની તસવીર :