અમદાવાદ: કોરોનાના કપરા કાળ બાદ પ્રથમ વખત ગાંધીનગર ખાતે દેશભરના પત્રકારોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાના કપરા કાળને સર્વે લોકોએ જોયો છે ઘણા ઉતાર ચઢાવ આવી ગયા ત્યારે આ આકરા સમયને પસાર કર્યા બાદ પ્રથમવાર ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દેશભરના પત્રકારોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી 500 થી વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત દેશના દસ થી વધુ રાજ્યોમાંથી દિગ્ગજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમ દરમ્યાન કોરોના ને કારણે મૃત્યુ પામેલ પરિવારજનોને આર્થિક સહાય મળે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પડે તે વિશે ચર્ચા અને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તે અંગે આ સ્નેહ મિલનના ચાલુ કાર્યક્રમ દરમ્યાન જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્રકારોની એક ટીમ અજય પરમાર, સંજીવ રાજપૂત, હેમરાજસિંહ વાળા અને ઝાકીર મીર દ્વારા પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવી હતી અને તેમને લેખિત આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે પત્રકારોને મુખ્યમંત્રી શ્રી એ હકારત્મક અભિગમ સાથે વિચારણા કરવાની ખાતરી આપી.
આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, કૉંગ્રેસ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલ અને આપ નાં પ્રદેશ મંત્રી મુકેશ પટેલ દ્વારા એક મંચ પરથી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની પત્રકાર હિત ની ઘોષણાઓ ને કાયમી સમર્થન અને સહકાર આપવાનો કોલ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે ગુજરાતનાં મેઇન સ્ટ્રીમ મીડિયા, દૈનિકો અને સાપ્તાહિકો તેમજ ડિજિટલ મીડિયાનાં પત્રકારો એક બેનર હેઠળ એકત્રીત થયા હતા. આ કાર્યક્રમની શરૂઆત પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” માટે વિશ્વ ઉમિયા ધામ નાં પ્રણેતા શ્રી આર. પી. પટેલ દ્વારા રૂ. 51000/- અનુદાન સાથે થઈ હતી, જેમાં ડૉ. હિમાંશુભાઈ પટેલ દ્વારા 51000/- તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા 51000/- સહયોગ રાશી જાહેર કરવામાં આવી સાથે સાથે હાજર મહાનુભાવો અને પત્રકાર અગ્રણીઓ દ્વારા અનુદાન સાથે અડધી કલાકમાં પાંચ લાખ જેટલા અનુદાનની જાહેરાત થઈ હતી. આવનાર આગામી એક વર્ષમાં રૂપીયા 5 કરોડ આ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યો.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સાથે જોડાયેલા પત્રકારો ને કોઈ જૂઠા કેસમાં ફસાવવામાં આવશે તો તેમના માટે નિશુલ્ક કાનૂની લડત સંસ્થા આપશે તેમજ એક મહિનામાં ગુજરાત નાં તમામ જિલ્લા અને તાલુકા મથક સુધી સંગઠન વિસ્તાર ની જાહેરાત કરવામાં આવશે.