અમદાવાદ: રાજસ્થાનમાં સુદર્શન ચક્ર ડિવિઝન અને સ્થાનિક લોકો દ્વારા શ્રી ગંગાનગર અને શ્રી કરનપુર ખાતે, 1971માં થયેલા નેગીના ઐતિહાસિક યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષ નિમિત્તે 10 દિવસ સુધી ચાલનારી ઉજવણી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 16 ડિસેમ્બર 1971ના રોજ શસ્ત્ર વિરામની જાહેરાત કર્યા પછી, 25/26 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને નેગી ખાતે ભારતીય સરહદની અંદરના વિસ્તારમાં કબજો કર્યો હતો. આ સમયે નેગી પશ્ચિમી મોરચે થયેલી સૌથી ભીષણ લડાઇમાંથી એક લડાઇનું સાક્ષી બન્યું હતું જેમાં આપણા દળોએ આપણી ભૂમિ પર કબજો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ યુદ્ધ ભારતીય સેનાની નૈતિકતાનું સાચું પ્રતિક છે જેમાં 21 બહાદુર જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આપણા રાષ્ટ્રના સન્માનનું રક્ષણ કર્યું હતું.
શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે અને યુવાનોને સૈન્ય તેમજ સ્થાનિક સમુદાય વચ્ચેના પ્રતિકરૂપ સંબંધો વિશે સંવેદનશીલ બનાવવા માટે નેગી દિવસની ઉજવણીઓમાં ભારતીય સૈન્ય અને શ્રી ગંગાનગર જન મંચ દ્વારા સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ડિસેમ્બર 2021ના રોજ, ભારત પાકિસ્તાન સરહદની નજીક 10 કિમીની સાહસપૂર્ણ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતના તમામ નાગરિકો માટે ઑનલાઇન ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 01 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2021 દરમિયાન દેશભરમાંથી સ્પર્ધા માટેની એન્ટ્રીઓ મંગાવવામાં આવી છે. 27 ડિસેમ્બર 2021ના રોજ, યુદ્ધના નાયકો અને યુદ્ધ દરમિયાન બલિદાન આપનારા શહીદોના પરિવારજનોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન લેસર શો દ્વારા નેગીના યુદ્ધની ઝાંખી કરાવવામાં આવશે. એક સામૂહિક બેન્ડ ડિસ્પ્લેનું પણ આયોજન કરવામાં આવશે જેઓ શૌર્યવાન જવાનોને સ્મરણાંજલી અર્પણ કરવા માટે માર્શલ ધૂન વગાડશે. આ કાર્યક્રમમાં બહાદુર સેવા નિવૃત્ત સૈનિકો, વર્તમાન સેવા આપી રહેલા કર્મીઓ, નાગરિક મહાનુભાવો, મીડિયા કર્મીઓ અને સૈન્યના કર્મીઓના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
‘નેગી દિવસ’ની ઉજવણીનું ભવ્ય સમાપન 28 ડિસેમ્બર 2021ના રોજ ‘નેગી યુદ્ધ સ્મારક’ ખાતે થશે, જેને સ્થાનિક સમુદાયો ખૂબ જ પવિત્ર સ્મારક માને છે. કાર્યક્રમોના અંતે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ દ્વારા યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. યુદ્ધના સેવા નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે.