કોરોના અંગેની જાગૃતિ અને તેની ત્વરિત સારવારથી જ કોરોના સામે જીત મેળવી શકાશે- શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
———
ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે જરૂરી સુરક્ષાત્મક પગલાઓ અંગેની સમીક્ષા બેઠક મેડિકલ હોસ્પિટલ ખાતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી.
આ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના અંગેની જાગૃતિ અને તેની ત્વરીત સારવારથી જ કોરોના જેવી મહામારી સામે જીત મેળવી શકાશે.
કોરોનાની સ્થિતિના આકલન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દરરોજ કોર ગૃપની સમીક્ષા બેઠક યોજાય છે.આ સિવાય જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજે રોજની સમીક્ષા બેઠક યોજવામાં આવે છે અને તેના દ્વારા રાજ્યમાં કોરોનાની સ્થિતિનું આકલન કરીને તેને અટકાવવા અને નિયંત્રિત કરવા માટેના પગલાઓ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, અત્યારે ભાવનગરમાં ખાનગી સાથે
કુલ ૧૮૧ એક્ટિવ કેસ છે. તેમાંથી જિલ્લાના ૩૬ કેસ છે. જેમાંથી ૮ લોકોને એડમિટ થવું પડ્યું હતું અને તેઓને ઘરે જ સારવાર મળેલી છે.
તેમણે કહ્યું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૯૯,૦૪૦ બાળકો છે. જેમાંથી ભાવનગર શહેરમાં ૭૬ ટકા અને જિલ્લામાં ૬૪ ટકા બાળકોને રસી આપી દેવામાં આવી છે. બાકીના બાળકોને પણ ઝડપભેર રસી આપી દેવામાં આવે તે માટેની સૂચનાઓ આરોગ્ય તંત્રને આપી છે.
આ સિવાય ભાવનગર શહેરમાં ૧૦૪ ટકા અને જિલ્લામાં ૧૦૮ ટકા નાગરિકોને કોરોનાનાં ડોઝ આપી દેવામાં આવ્યો છે.
કોરોના સામે રક્ષણ માટે જિલ્લામાં ધન્વંતરી રથ, સંજીવની રથ વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેનાં દ્વારા નાગરિકોને સ્થળ પર જ નિદાન કરીને સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પણ જે પણ વ્યવસ્થાની જરૂર હોય તે તાકીદે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી સર્વેક્ષણ સાથે દરેક ઘરની મુલાકાત લેવામાં આવી રહી છે અને કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત જ દવા અને સારવાર આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં કોરોનાના ગત બે વેવમાં ઓક્સિજનની જે તકલીફો જોવાં મળી હતી. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ એન.જી.ઓ.ના સહકારથી આવનારી વિપરીત પરિસ્થિતિને પહોંચી વળાય તે માટે આગોતરી તૈયારી કરીને ઓક્સિજનની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર માટે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક સારવાર સાથે ગરમ પાણી પીવું પણ ઉપયોગી છે. આ બધા ઉપચારો સાથે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા બનાવી રાખવી અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે.
આપણે સૌએ સાથે મળીને આ વૈશ્વિક મહામારીનો સામનો કરવાનો છે તેમ જણાવી મંત્રીશ્રીએ પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને ભાવનગર શહેર તથા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સિનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
આ બેઠકમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલિયા, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર, મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીશ્રી ડો.રમેશ સિન્હા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.તાવીયાડ, સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ડીન શ્રી ડો.હેમંત મહેતા, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા સહિતનાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીનશ્રીઓ, ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.