જામનગર: જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી દારા રજા જાહેર કરવામાં આવેલ હોવા છતાં આ સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ માટે બાળકોને બોલાવવામાં આવ્યા હતા.
હાલ ગુજરાત કોરોનાના કેસને લઈ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શનિવારના રોજ પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં જાહેર રજા આપવામાં આવી છતાંય જામનગરની એક સ્કૂલ જાણે પોતે સરકાર હોય તેમ અનુસરી સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવી સ્કૂલ ચાલુ રાખી હતી. જામનગર મહાપ્રભુજી બેઠક પાસે આવેલ રાધિકા સ્કુલ રજાના દિવસે ચાલુ જોવા મળી….
રાજ્ય સરકારનો આદેશ હતો કે શનિવારે બધી શાળામાં રજા જાહેર કરેલ છે તેમ છતાંય આ સ્કૂલના સત્તાધીશોએ સરકારના આદેશની અવગણના કરી આદેશના લીરેલીરા ઉડાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.
રજા હોવા છતાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.
અને વિદ્યાર્થીઓમાં ક્યાંય સોશ્યલ ડિસ્ટન્સ નહોતું જોવા મળ્યું. એબીવીપીએ શાળા ખાતે પહોચી હતી અને સ્કૂલ માટે કાર્યવાહીની માંગ કરી હતી. 10 થી 15 વિદ્યાર્થીઓ ડાઉટ સોલ્વ કરવા માટે આવ્યા હોવાનું જણાવી આચાર્યએ બચાવ કર્યો હતો.
આ બાબતે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અમને કોઈ અધિકારીક પત્ર મળ્યો નથી એટલે શાળા ચાલુ રાખી છે એવું કહી બધો દોષ નો ટોપલો શિક્ષણ અધિકારી અને સરકાર પર ઢોળતા નજરે પડ્યા હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જ્યારે જામનગર શહેરના શિક્ષણ અધિકારી ને પૂછવામાં આવતા તેઓએ આ સરકારી આદેશ જાહેર કરતા જ સાંજના સમયે સર્વેને જાણ કરી દીધી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું. આમ પોતાની મનમાની કરી શિક્ષણની આડમાં પૈસા કમાઈ લેવાની લાલચમાં આ સ્કૂલ સરકારના આદેશના ધજાગરા ઉડાવતી જોવા મળી હતી.. હવે જોવું એ રહ્યું કે આ સ્કૂલ સામે કાર્યવાહી થશે કે પછી બધું ભીનું સંકેલાઈ જશે?