– શાકભાજી અને ફૂટના ફેરિયાઓએ રોડ પર શાકભાજી-ફ્રૂટ ઠાલવી રોષ વ્યક્ત કર્યો
– ફેરિયાઓએ જીલ્લા પોલીસવડાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તોડ અને હપ્તારાજમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી લોક આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જીલ્લાના મેઘરજમાં રોડ સાઈડમાં ઉભા રહેતા લારી-ગલ્લાવાળાઓને ધંધો કરવા માટે પોલીસ હપ્તા માંગતી હોવાના આક્ષેપ સાથે શાકભાજી અને ફૂટના ફેરિયાઓએ રોડ પર શાકભાજી-ફ્રૂટ ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. ફેરિયાઓએ જીલ્લા પોલીસવડાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી
મેઘરજ નગરમાં રોજનું રોજ કમાઈ ખાતા ફેરિયાઓ પોલીસતંત્રના રંજાડ થી તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રોડ સાઈડ ઉભા રહેતા ફેરિયાઓ પાસેથી પોલીસે દૈનિક 200 રૂપિયાના હપ્તાની માંગણી કરવામાં આવી રહી હોવાની સાથે હપ્તો ન આપનાર ફેરિયાઓ અને લારી ગલ્લાઓ વાળા ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા મેઘરજ પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
મેઘરજ નગરમાં રોડ સાઈડ ઉભા રહેતા ફેરિયાઓએ પોલીસની સતત હેરાનગતીનો અનોખી રીતે વિરોધ કરી રોડ પર શાકભાજી ઠાલવી દીધી હતી. ફેરિયાઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે મોડાસાથી શાકભાજી અને અન્ય માલસામાન લાવી વેચાણ કરી આખો દિવસ ઉભા રહી માંડ ત્રણસો ચારસો રૂપિયા મળતા જીવનનિર્વાહ ચલાવીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી પોલીસ વાળા અમારી પાસે દૈનીક 200 રૂપિયા આપો તો જ ધંધો કરવા દઈએ કહી હપ્તો માંગતા હોવાનો આક્ષેપ કરી પોલીસની દાદાગીરી થી ત્રાસેલા ફેરિયાઓએ ધંધો બંધ કરી તેમના બૈરાં છોકરા સાહેબના ઘરે મૂકી આવીએ તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. શાકભાજી વેચતા ફેરિયાઓએ રોડ પર શાકભાજીની લારીઓ ઉંધી કરી દેતા રોડ પર શાકભાજીના ઢગલા ખડકાયા હતા લોકોના ટોળેટોળા ઉમટતા મેઘરજ પોલીસ દોડી આવી હતી.