તાલુકામાં વધતા ચોરીના બનાવો અટકાવવામાં તંત્ર નાકામ
વલ્લભીપુર: તા.૨૦
વલ્લભીપુરમાં શનિવારે જૂની કોર્ટ, નવા સ્વામિનારાયણ મંદિર પાછળ, હાઇવે રોડ પાસે ભરબપોરે RTI એક્ટિવિસ્ટ રાજેશભાઈ બાબુભાઈ વઘાસીયાના ઘરે અંદાજીત એક લાખની માલમતાની ચોરીના બનાવને તસ્કરોએ અંજામ આપતા શહેરમાં ભયની લાગણી ફેલાઇ છે. તાલુકામાં આ અગાઉ થયેલી દસેક ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ભર બપોરે, ભરચક વિસ્તારમાં ચોરી કરીને તસ્કરોએ રીતસર પોલીસનું નાક વાઢી લીધું છે.
બનાવની મળતી માહિતી મુજબ સ્વામિ. મંદિરની પાછળ રહેતા રાજુભાઈ તેમના પત્ની અને માતા સાથે પોતાના ખેતરે ગયા હતા. આ દરમ્યાન બપોરના સમયે આશરે ત્રણેક વાગ્યે તેમના ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. એક રૂમમાં ગોદરેજના કબાટમાં રાખેલી રોકડ રકમ આશરે 7000, અમુક નાના સોનાના દાગીના ખોટા ગ્રામના ઘરેણા અને આશરે 50 હજારના હીરા સહિત અંદાજે એક લાખની માલમતા તસ્કરો ઉસેડી ગયા હતા. સાંજે 7 વાગ્યાના અરસામાં ઘરે આવતા રાજેશભાઈને ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. બનાવને પગલે તેઓએ વલ્લભીપુર પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. મકાન માલિકે હાલ ફરિયાદ નોંધાવી નથી પણ તેમના જણાવ્યા મુજબ એ પોલીસ ફરિયાદ ચોકસ પણે નોધવશે.
ઉલ્લેખનીય છે કે શહેર, તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ માથું ઊંચક્યું છે. મોટા ભાગની ચોરીની ફરિયાદો તો ઓછી માલમતા હોય ત્યારે ભોગ બનનાર ખુદ નોંધાવતા પણ નથી. અમુક કિસ્સામાં પોલીસ ફરિયાદો નોંધતી ન હોવાનું સર્વવિદિત છે. શહેરના અમુક વિસ્તારોમાં અજાણ્યા લોકો ફરતા પણ જોવા મળતા હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે વલ્લભીપુર પોલીસ વિભાગ કડક હાથે કાર્યવાહી કરે અને લોકોમાં વ્યાપ્ત ભય દૂર કરે એવી લોકલાગણી પ્રબળ બની છે.
રિપોર્ટ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર