રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
સુરત પોલિએસ્ટર કાપડના હબ તરીકે જાણીતું છે. સુરતમાં બનેલા કપડા દેશ-વિદેશમાં વેચાય છે.સુરતમાં બનતા કપડા સસ્તા હોવાના કારણે એશિયાના ઘણા દેશોમાં સુરતી કપડાની ખૂબ માંગ છે. સુરતમાં બનતી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સની અમેરિકા અને યુરોપમાં પણ નિકાસ થાય છે. શ્રીલંકામાં પણ સુરતી કપડાંની ખૂબ માંગ છે.સુરતમાં બનતા કપડા ચેન્નાઇ ના વેપારીઓ ખરીદે છે અને ત્યાંથી શ્રીલંકામાં નિકાસ કરે છે.આ અંગે ફોસ્તા ડિરેકટર રંગ નાટાન સારધા એ જણાવ્યું હતું કે સુરતથી શ્રીલંકા દર મહિને અંદાજે 20 કરોડનું કાપડ મોકલવામાં આવતું હતું. શ્રીલંકાના કેટલાક વેપારીઓ સીધા સુરતથી કાપડ મંગાવતા હતા અને કેટલાક લોકો ચેન્નાઈના વાયા થઈ ને વેપારીઓ પાસેથી માલ ખરીદતા હતા. આ રીતે બંને રીતે સુરતનું કાપડ મોટા પાયે શ્રીલંકા મોકલવામાં આવતું હતું.પરંતુ હાલમાં બગડેલી શ્રીલંકા ની પરિસ્થિતિ ના લીધે કાપડ નો માલ ત્યાં જવાનું પણ બંધ થઈ ગયો છે અને સુરતથી શ્રીલંકા કપડા વેચતા વેપારીઓના પૈસા ફસાઈ ગયા છે. એક અંદાજ મુજબ શ્રીલંકામાં સુરતના વેપારીઓના રૂ.50 કરોડનું પેમેન્ટ અટવાયું છે.
વધુમાં કાપડ વેપારી ગૌતમ ભાઈએ જણાવ્યું હતું કે શ્રીલંકા ના ઘણા વેપારીઓ સુરતના વેપારીઓ પાસેથી એજન્ટો મારફત સીધો માલ ખરીદે છે, જે મુંબઈ કે દિલ્હી થઈને કોલંબો પહોંચે છે.ત્યાંના વેપારીઓ સુરતમાંથી મોટા પાયે સાડીઓ ખરીદે છે. પરંતુ આ દિવસોમાં શ્રીલંકામાં સ્થિતિ વણસેલી છે. ત્યાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ત્યાંથી પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે. જેના કારણે અહીંના અનેક વેપારીઓને પેમેન્ટ મળતું નથી.બીજી તરફ ત્યાં શિપિંગ પણ બંધ થઈ ગયું છે. જેના કારણે સુરતના કાપડ બજારને ફટકો પડ્યો છે. સુરતની સાડીઓ મોટા પાયે શ્રીલંકામાં મોકલાતી હતી જે હવે બંધ થઈ ગઈ છે.જેને લઈ વેપારીઓમાં ચિંતતા નો માહોલ છવાયો છે.
શ્રીલંકા માં લોકોને જીવન જીવવા માટે મૂળભૂત વસ્તુઓની પણ અછત છે.હાલ ત્યાં લોકો પેટ્રોલ, ડીઝલ, દવા, અનાજ વગેરે માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.