આજના આ ડિપ્રેશનના યુગમાં કલાના કાર્યક્રમો અને ઉત્સવો આનંદીત રહેવા માટે કારણભૂત બની રહે છે.
– ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સંગીત અકાદમી નાટક ગાંધીનગરના આર્થિક સહયોગથી સાબરકાંઠાની ધન્ય ધરા પર જન્મેલા કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે જીવન ઝરમર દર્શાવતો કાર્યક્રમ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં હિંમતનગરમાં ડો.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૫૦ જેટલા કલાકારો દ્વારા કવિશ્રી ઉમાશંકર જોષીના ગીતો અને પન્નાલાલ પટેલની નવલકથા આધારીત માનવીની ભવાઈ નાટક રજૂ કરી રંગ દેવતાના ચરણે પોતાની કલા પ્રસ્તુત કરી હતી. ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ માધવ રામાનુજે ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે તેમના વિષે રસપ્રદ વાતો પ્રેક્ષકગણ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમમાં કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જીવન આધારીત ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી. કલા અને સાહિત્યના આ કાર્યક્રમમાં સ્થાનિક કવિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમામાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે માનવીની વૃતી પ્રવૃતિ તરફ દોરી જાય ત્યારે વિશ્વમાં કલા આકૃતીનું નિરૂપણ થાય છે.સાબરની આ ધરા ઉપર સાબરના જ રત્નો દ્વારા આવા કલાના કાર્યક્રમો થકી નવી પેઢીને સાહિત્ય જગતનો વારસો મળી રહ્યો છે. આજનો આ યુગ કોમ્પ્યુટર યુગ છે. આજના યુગમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા સમયમા માણસે હંમેશા સકારત્મક અને આનંદમાં રહેવુ જોઇએ. એકવીસમી સદીમાં ભાવાત્મક શક્તિનો સિંચય પરિવર્તનાત્મક બાબતો સામે ઝઝુમવા માટે કરવો જોઇએ. તેમણે વધુમાં જાણાવ્યુ હતુ કે આજના આ ડિપ્રેશનના યુગમાં આવા કલાના કાર્યક્રમો અને ઉત્સવો આનંદીત રહેવા માટે કારણભૂત બની રહે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દંડક શ્રી ધીરેનભાઈ અસારી, નગરપાલિકા પ્રમુખશ્રી યતીનબેન મોદી, કવિવરશ્રી રામાનુજ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, સભ્ય સચીવશ્રી પી જી પટેલ, હિંમતનગર શહેર સંગઠન પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, હિંમતનગર શહેર મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ, હિંમતનગર તાલુકા મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, પુર્વ મહામંત્રીશ્રી અતુલભાઇ દિક્ષિત, કેળવણીકાર શ્રી ડી એલ પટેલ, ચીમનભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અગ્રણી શ્રી રમેશભાઈ સોરઠીયા, ભરત વ્યાસ, પ્રકાશ વૈધ, નિરંજન શર્મા, કલાકારો તેમજ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી તેમજ કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.