આઝાદી કા અમૃત મહોત્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રના મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ તેમજ ગુજરાત રાજયના પણ મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન થયુ જેમાં મોરબીના પણ બે સ્થળોનો સમાવેશ થયો હતો. મોરબી જિલ્લામાં બે એતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કર્ણાટકના મૈસુરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આઝાદી કા મહોત્સવ સાથે સાકળીને જણાવ્યું હતું કે, ભારતના મહત્વના સ્થળો કે જે, ઈતિહાસના સાક્ષી બન્યા છે, સાસ્કૃતિક ઉર્જાનું કેન્દ્ર છે તે યોગ દિવસ થકી એકબીજા સાથે જોડાયા છે. આ મહત્વના સ્થળોએ યોગએ ભારતના ઈતિહાસ, વિવિધતા અને વિસ્તારને એક તાંતણે બાંધ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના બે સ્થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ આપણા સાંસ્કૃતિક મૂલ્યો કે આપણી સભ્યતા છે જ્યારે આવા ઐતિહાસિક કે પૌરાણિક સ્થળો એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે ત્યારે આજે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો, સભ્યતા તેમજ સાંસ્કૃતિક ધરોહરનું જાણે મિલન થયું હતું.
મણિમંદિર ખાતે અંદાજીત ૬૫૦ થી વધુ તેમજ રણજીત વિલાસ પેલેસ ખાતે અંદાજીત ૫૫૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.