અમદાવાદ: અત્યારનું જીવન શિક્ષણ, ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે. સમગ્ર જીવનના ઘડતરનો પાયો પ્રાથમિક શિક્ષણ છે. જે માનવીના જીવનને ઘડે છે અને ભવિષ્યની ઇમારતને બુલંદ કરે છે. માનવજીવનનું કેન્દ્રબિન્દુ શિક્ષણ છે અને સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ માનવ છે. તેથી શિક્ષણ કેટલું મહત્વનું તત્વ છે એ સમજી શકાય તેમ છે. કેળવણીની વ્યાખ્યા કરતાં એક ચિંતકે કહ્યું છે, ‘રોટલો કેવી રીતે રળવો તે શીખવે તેનું નામ શિક્ષણ અને રોટલાના દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તે શીખવે તેનું નામ કેળવણી.’
‘’શિક્ષક કભી સાધારણ નથી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ’’ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઇ પટેલ.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વર્ષ- ૨૦૧૨માં જોડાયેલા શ્રી વિજયભાઇ પટેલને શાળા અને વિદ્યાર્થીઓ માટે કંઇક નવું ઇનોવેટીવ કરવાનો વિચાર સુઝ્યો અને ગમ્મત સાથે જ્ઞાનનો વૈજ્ઞાનિક અભિગમ થાય તે હેતુથી અહીં સ્ટીમ લેબોરેટરી બનાવવાનો નિર્ણય કર્યો. . STEM LABORATORY એ પ્રોજેક્ટ આધારિત, હેન્ડ-ઓન લર્નિંગ સોલ્યુશન છે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.
વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધી શકે તેવા ઉમદા આશયથી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવની આદર્શ પ્રાથમિક શાળામાં એક અનોખી લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલી સ્ટીમ લેબોરેટરીથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક પ્રયોગો કરીને શીખવાનું એક નવું વાતાવરણ ઊભું થયું છે. આ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ કન્સેપ્ટ છે જે પ્રાથમિક શાળાના આચાર્યોની સક્રિયતા અને સામાજિક સંસ્થાઓના સહયોગથી એક સરકારી શાળામાં સાકાર થયો છે.
તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ વિજ્ઞાનના મૂળભૂત વિચારને ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયને સંયુકત રીતે આવરી લે છે. તેનો અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને વધારવા માટેનું ટેકનોલોજીકલ પરિબળ સાબિત થાય છે.
તેલાવ પ્રાથમિક શાળામાં બનેલી સ્ટીમ લેબોરેટરી એક મીની સાયન્સ સેન્ટર છે જેનો લાભ આજુબાજુની તમામ શાળાઓના બાળકો પણ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી વિજયભાઇ પટેલ જણાવે છે કે કોઇપણ વિદ્યાર્થીઓ અમારી આ લેબમાં આવી જુદા જુદા પ્રયોગો જાતે કરી શકશે અને શીખી શકે છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે અને નવા નવા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. વિજ્ઞાનના ત્રણ વિભાગો વિદ્યાર્થીઓને પ્રયોગ પ્રવૃત્તિ કરવા માટેની તક પૂરી પાડે છે. SKIIL STEM એટલે બાળકોને પાઠયપુસ્તકની અંદર રહેલું જ્ઞાન વર્ગખંડની બહાર મળે છે.
તેલાવ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ STEM LABORATORY (પ્રયોગશાળા) વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે તથા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી રહી છે. જેને સ્વૈચ્છિક સંસ્થા YUVA UNSTOPABLE અને CURIO BOX નો સહયોગ મળ્યો છે.
શાળાના આચાર્ય શ્રી વિજયભાઇ પટેલ વધુમાં ઉમેરે છે કે અમારી શાળાના પ્રયોગશાળામાં કીમતી ઉપકરણો માત્ર દેખાવ માટેના જ નથી પરંતુ આ પ્રયોગશાળાઓમાં અભ્યાસક્રમ સિવાયના પ્રયોગો કરવા માટે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે તેમ ઉમેરતા આચાર્ય શ્રી વિજયભાઇ જણાવે છે કે પ્રયોગ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવીન પ્રયોગો આપી તેમની કસોટી કરવામાં આવે છે અને બાળકોને મુંઝવતા પ્રશ્નોનું શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અમારી પ્રયોગશાળા એવું સ્થળ છે, જ્યાં વિદ્યાર્થીઓની તીવ્ર જિજ્ઞાસા સંતોષવામાં આવે છે.
SKIIL STEM – વિજ્ઞાનના મૂળભૂત વિચારમાં ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતનો સમન્વય થાય છે. આ લેબની સ્થાપના પાછળનો મૂળ વિચાર વિદ્યાર્થીઓને મુખ્ય STEM ખ્યાલોના હેન્ડ-ઓન પ્રોજેક્ટ-આધારિત શિક્ષણને અમલમાં મૂકવા માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે. STEM ટિંકરિંગ અને ઇનોવેશન લેબ એટીએલ દ્વારા પ્રેરિત છે. અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને વધારવા માટે છે.
તેલાવની પ્રાથમિક શાળામાં આ ઉપરાંત ડિઝિટલ લાયબ્રેરી, સ્વચ્છતા અંગેના પ્રકલ્પો, ટોયઝ બેન્ક જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. શાળાના આચાર્યશ્રી પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તો વળી શ્રેષ્ઠ ઇનોવેટીવ આચાર્ય તરીકે જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે.ઉપરા6ટ તેલાવ શાળાનું પણ સૌથી સ્વચ્છ શાળા તરીકે સન્માન થયું છે. શાળામાં દાતાના સહયોગથી આધુનિક કોમ્પ્યુટર લેબ જેમાં ૧૨ કોમ્પ્યુટર, ૨ લેપટોપ, ૧ ટીવી પણ વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવ્યા છે.
ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વિદ્યાર્થીઓએ પણ એકવાર તેલાવ જઈને આ લેબોરેટરીની અચૂક મુલાકાત લેવી જોઇએ.