આજે બધા જ આશિષ આપજો મારી દ્રિતીને..
દીકરીનો દસમાં મહિનામાં પ્રવેશ… દીકરીને એક પત્ર…
આ નવ મહિના બેટા મે તને આશિષ જ આપ્યા જે મારા હૃદયમાંથી નીકળ્યા. પણ આજે દસમાં મહિનામાં તું બેસીસ એટલે હું તને એક પત્ર લખવાં માંગુ છું. કદાચ મોટી થઇને તું વાંચીશ તો તને ઘણું શીખવા મળશે. તારી આંખ પણ ભીની થશે પણ બેટા આ બધી જ વાતો તને તારી મા સિવાય કોઈ નહિ કહે સાંભળ…
ઘણા દિવસો પછી મારા અને તારા પપ્પાના જીવન મા એક આનંદનો અવસર આવ્યો. અમને ખબર પડી કે અમારા દાંમ્પત્ય જીવનમા એક ફૂલ ખીલવાનું છે એટલે અમારી ખુશીનો પાર ના રહ્યો. હું માતાજીને વધુ માનું એટલે દરેકે મને આશિષ સાથે માતાજી જ આવશે તેવું કહેલું,પણ તારા પપ્પા અને મને પૂર્ણ વિશ્વાસ હતો કે આપણે ત્યાં પુત્રીરત્ન જ આવશે,એ અમારી પૂર્વતૈયારી હતી અને એટલે બેટા ભવિષ્યમા ક્યારેય કઈ બાબત વિશે કંઈક અજાણતા મતભેદ થાય તો એવુ ના વિચારતી કે હું દીકરી છું એટલે મારી સાથે આવુ થયુ. અમે તને ક્યારેય દીકરા જેવો પ્રેમ નહિ કરીએ કેમ કે અમે તને માંગીને જ લીધી છે.તું દીકરી છો તો તને દીકરી જ રહેવા દઈશું.હવે મહત્વની વાત હું તને બધા કરતા વધુ ઓળખું છું યાદ રાખજે, કેમ કે તારી હલચલને મે વધુ મારા ભ્રુણમા માણી છે, તું કયા સમયે શું કરીશ, તારો સ્વભાવ બધું જ મારા કરતા વિશેષ તને કોઈ નહિ જાણી શકે યાદ રાખજે. તારી ગમે તેવી પરિસ્થિતિની જાણ કુદરતી રીતે મને પહેલા થશે એટલે જાતને એકલી ના સમજીશ. તને દુનિયામાં લાવતા મે જીવ ગીરવે મુકેલો આ વાત હું નહોતી કહેવાની છતાં કહું છું તેનું કારણ એક જ કોઈ નાનું અમથું વ્યક્તિ પળવાર મા આવીને તારું દિલ ના તોડી જાય, ના શબ્દોથી, ના કોઈ વર્તનથી કે ના કોઈ એવી પરિસ્થિતિથી તેટલી મક્કમ બનજે. કેમ કે તારું હૃદય બનાવતા અને તને આ દુનિયામાં લાવતા શું શું થયુ તે હું અને તારા પપ્પા જ જાણીએ છીએ. ખુબ ભણજે બેટા કેમ કે આ જમાનો ફક્ત કઈ જરૂર હોય તો કહેજો તેનો જ છે. આપણે આપણી દુનિયા જાતે બનાવવાની છે તે માટે મારે જેટલો ભોગ આપવો પડશે હું આપીશ. બસ તું મેહનત કરજે. સારી એવી જગ્યાએ પહોંચીને પણ તું તારી સારપ ના છોડતી કેમ કે બેટા પદ તેને જ મળે છે જે પદને લાયક હોય.આપણે તે સ્થાનની કિંમત કરીને રહેવાનું. આપણે હંમેશા આપણા મમ્મી પપ્પા કોણ છે, બહાર તેમની શું કિંમત છે તે યાદ રાખીને જ વર્તવું. અમે નથી ઇચ્છતા કે કોઈ તને સુચિતા કે તુષારની દીકરી કહે અમે ઈચ્છીશું કે અમને બધા કે તમે દ્રિતીના માતા પિતા છો. જિંદગીમા બધું જ છૂટી જાય તો પણ તારા માં બાળપણ ને જીવતું રાખજે કોઈક એ કહ્યું છે કે જે વ્યક્તિ માં બાળપણ મરી જાય છે તે વગર મોતે મરેલા જેવો જ થઇ જાય છે.દરેક પળને માણજે. કેમ કે જિંદગી એક રિસ્ક જેવું જ સાધન છે તેનો કોઈ ભરોસો નથી આ કડવી વાત છે છતાં પણ હું તને કહીશ આ જિંદગીની મોટી વાસ્તવિકતા છે જે તારે સમજવી રહી. જિંદગીમા એક શોખ કેળવજે કે જ્યારે તું કાર્યકાળેથી થાકીને ઘરે આવુ ત્યારે તને એવુ ના લાગે કે તું તારી જિંદગી કાગળની નોટો ભેગી કરવામાં જ વાપરું છું પણ તું એવુ પણ કંઈક કરું છું જે તને ગમે છે. તેનો તને સંતોષ છે. તે તારી આગવી ઓળખ છે. આજે તારી માતા એક ગૃહિણી, શિક્ષક અને હજારો કામના ભારણ વચ્ચે પણ એક લેખ ના લખે તો તેને દિવસ ના જીવ્યો એવુ લાગે. અને લખાઈ જાય પછી સર્વસ્વ મળી ગયું હોય તેવો અહેસાસ થાય. બીજી વાત જીવનમા બધા જ તારા વિશે સારું બોલશે તે ભ્રમ તું અત્યારથી જ કાઢી દેજે કેમ કે ક્યારેક એવુ પણ બનશે કે તું સારું કરીશ, તારી જાત ખર્ચી નાખીશ બહુ જ લાગણી રાખીશ તો પણ તારી અવગણના થશે તે સમયે ચૂપ રહીને સમય પસાર કરજે તને મજા આવશે. દુનિયા જાણવાનો તને અવસર મળશે. તારી સામે જ તને દુનિયાના ઘણા રંગો જોવા મળશે. પણ હા ઘણા લોકો એવા હશે કે તે તારા હિતેચ્છુ હશે, એમાં તારા પરિવારના સભ્યો હોય, મિત્રો પણ હોઈ શકે, કોઈક સ્વજન પણ હોઈ શકે. પણ મુશ્કેલ સમયમા સાથ આપનાર દરેક વ્યક્તિને તારે યાદ રાખવા પડશે. બસ બેટા આ પત્રમા આટલું જ આગળ જિંદગીના ઘણા રંગોથી હું તને પરિચય કરાવીશ..
લી.. તારી માતા…
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “