દર ચોમાસા માં નાળા નું ધોવાણ થતા રસ્તો બંધ થઈ જાય છે, કાયમી ઉકેલ લાવવા તંત્ર ની ઉદાસીનતા ને લીધે જનતા પરેશાન.
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં પાટણા (ભાલ) થી લુણધરા ગામ જતો રોડ છેલ્લા ચાર વર્ષ થી દયનિય હાલત માં છે, આ રોડ પાટણા, લુણધરા અને માલપરા ગામને જોડે છે, પાટણા ગામ મોટું હોય અહીં લુણધરા અને માલપરા ગામનાં લોકો હટાણુ કરવા આવે છે,
પાટણા ગામમાં હીરાનાં કારખાના, કરિયાણા, શાકભાજી, કાપડ અને મીઠાઈ ની દુકાનો આવેલી છે તથા સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડીયા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્ક પણ આવેલી છે, આ તમામ કામ માટે લોકો આ રોડનો ઉપયોગ કરતા હોય છે, આ રોડ શોર્ટકટ હોવાથી અહીં અવરજવર માટે લોકો બાઇક તેમજ પાટણા ગામે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે,
આ રોડની બિસ્માર હાલત થતા સ્ટેટ હાઇવે નો સહારો લઈ વાયા પાણવી થઈ ને પાટણા જવું પડે છે, જેમાં ત્રણ કિલોમીટર જેટલું અંતર પણ વધી જાય છે સાથે જોખમ પણ રહે છે. આ રોડ પર ઐતિહાસીક પાર્થેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, અહીં રોજ સેંકડો શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આ રોડ પર ઘસારો વધુ રહે છે.
આ રોડ ની વચ્ચે આવતા નાળાઓનું દર વર્ષે ચોમાસાનાં પહેલા વરસાદ માં જ ધોવાણ થઈ જાય છે, આ વર્ષનાં ચોમાસા નો પહેલો વરસાદ થતા જ નાળા નું ધોવાણ થઈ ગયેલ છે. જેના લીધે આ રસ્તો સાવ બંધ થઈ ગયો છે. દર વખતે કામચલાઉ કામગીરી કરી ભૂંગળા નાખી માટી થી પુરી દેવામાં આવે છે, ફરી ચોમાસુ આવતા એની એજ હાલત થાય છે. આ રોડ ની વચ્ચે આવતા નાળા ઓને નદી નાં વહેણ ને અનુરૂપ નવેસર થી બનાવવા માં આવે તોજ કાયમી ઉકેલ આવી શકે તેમ છે
આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ સુધી આ રોડ ને રિકાર્પેટ કરવામાં આવેલ નથી. તમામ સમસ્યાઓને ધ્યાને લઇ પાટણા લુણધરા રોડ ની વચ્ચે આવતા તમામ નાળાઓને નદીઓના વહેણને અનુરૂપ નવેસરથી બનાવી સંપૂર્ણ રિકાર્પેટ કરવા ભાજપાનાં સક્રિય કાર્યકર ભાવેશભાઈ ગાબાણી (પાટણા) એ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર