વંદે ગુજરાત યાત્રા-ભાવનગર
વક્તા, શ્રોતા, લાભાર્થી, લાભ આપનાર, આયોજક તમામ મહિલાઓ આ યાત્રા વિકાસ દર્શન સાથે મહિલા સશક્તિકરણનું પણ માધ્યમ બની
વંદે ગુજરાત યાત્રા તેના આખરી તબક્કામાં છે ત્યારે આજે વંદે ગુજરાત યાત્રામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ જોવાં મળ્યું હતું.
આ યાત્રામાં વક્તા, શ્રોતા, લાભાર્થી, લાભ આપનાર, આયોજક તમામ મહિલાઓ હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવાં માટે આજે આ યાત્રા ભાવનગરના ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે પહોંચી ત્યારે યાત્રાનું સામૈયા સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળ, વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા યોજના, સરસ્વતી સાધના યોજના વગેરે જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓનું આર્થિક સાથે સામાજિક સશક્તિકરણ કરવામાં આવી રહ્યું છે
તેના ભાગરૂપે જ આજે વંદે ગુજરાત યાત્રામાં તમામ બાબતોમાં મહિલાઓએ પ્રાધાન્યપૂર્વક કાર્ય કર્યું હતું. લીડર પણ મહિલા અને લાભાર્થી પણ મહિલા એવાં કાર્યક્રમમાં સમગ્રતયા મહિલાઓનું આધિપત્ય જોવાં મળ્યું હતું.
મહિલાઓ પણ કોઇપણ રીતે પુરૂષોથી નીચી નથી. પરંતુ સમોવડી છે તેવાં ભાવ સાથે અધિકારી અને કર્મચારી પણ મહિલા હોય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ રીતે હવે મહિલાઓ પણ સમાજમાં નેતૃત્વ લેવાં માટે સક્ષમ બની છે તેવો સંદેશો આ યાત્રામાં જોવાં મળ્યો હતો. આ રીતે આ યાત્રા વિકાસ દર્શન સાથે મહિલા સશક્તિકરણનું પણ માધ્યમ બની રહી હતી.