ભાવનગર
ભાવનગરની સંસ્થાઓ લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ભાવનગર યુનિવર્સિટી,નવરંગ નેચર ક્લબ, ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને વન વિભાગ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે 29 જુલાઈના રોજ લાઇફ સાયન્સ વિભાગના જગદીશચંદ્ર બોઝ હોલમાં “વર્લ્ડ ટાઈગર ડે”ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અને જીવવિજ્ઞાની, લાઇફ સાયન્સ વિભાગના વિભાગીય વડા ડો.શ્રી ભારતસિંહ ગોહિલે પાવર પ્રેઝન્ટેશનથી વાઘની સમગ્ર પ્રજાતિનો સુપેરે પરિચય આપી,તેને માનવ મિત્ર અને આપણાં કુદરતી ચક્રનો એક મહત્વનો ભાગ ગણાવ્યો હતો.પર્યાવરણવિદ્ અને જિલ્લા સિંહદિવસના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે કહ્યું કે ટાઈગર આપણી તંદુરસ્ત ઇકો સિસ્ટમનું મહત્વનું શિખર છે. ગુજરાતમાં છેલ્લો વાઘ સને 1985 માં ડાંગમાં માર્ગ અકસ્માતથી મૃત્યુ પામ્યો હતો.
પછીથી ગુજરાત વાઘવિહોણું બન્યું છે.ભારતના તમામ રાજ્યોમાં મહદંશે વાઘ છે તો ગુજરાતમાં કેમ નહીં ? તેઓએ કહ્યું કે ગુજરાતના ડાંગ,છોટાઉદેપુર, નર્મદાના જંગલમાં વાઘનું પુનઃસ્થાપન થઈ શકે તેમ છે. સારિસ્કા જેવું અભયારણ્ય તેનું ઉત્તમ ઉદાહરણ છે.તો ગુજરાતને પણ વાઘનું પુનઃસ્થાપન કરીને રળિયાત કરવું જોઈએ. તેઓએ વાઘ સંરક્ષણ અને તે માટેના પડકાર ઉપર મહત્વનો પ્રકાશ પાડ્યો હતો.
ભવનના વિદ્યાર્થી અને વાઘ તજજ્ઞ કુ. ઝંકાર શાહે વાઘના માનવજીવન સાથેના સાંસ્કૃતિક આદાન-પ્રદાનની વિગતે છણાવટ કરી હતી.માં દુર્ગાના વાહન તરીકે વાઘ દર્શાવે છે કે આપણી ધાર્મિક પરંપરા પણ પ્રકૃતિના વિવિધ રૂપો સાથે જોડાયેલી છે.
વન અધિકારી શ્રી દિવ્યરાજસિંહ સરવૈયા અને રાજહંસ નેચર ક્લબના ઉપપ્રમુખ શ્રી હર્ષદ રાવલિયા તથા શ્રી મલય બારોટ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યાં.નેચર ક્લબના સભ્યો અને પર્યાવરણ પ્રેમીઓ સહિત વિદ્યાર્થીઓની ઉત્સાહિત હાજરી હતી.
મંચનુ સંચાલન સુશ્રી નયના ડાભીએ તથા આભાર દર્શન કાજલ વળિયાએ કર્યું હતું.