મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા એવું નક્કર આયોજન કરવામાં આવે કે, જિલ્લાના સંબંધિત તમામ પશુધનને ૧૫મી ઓગસ્ટ સુધીમાં રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે.
રસીનું વેસ્ટેજ ન થાય તે બાબત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, દરરોજના 200 થી વધુ પશુઓને એક ટીમ દ્વારા રસી આપવામાં આવે તેવી સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે જરૂરી છે.
જિલ્લામાં મયુર ડેરી તેમજ ગોપાલ ડેરી દ્વારા પણ પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિગતો મેળવી પશુપાલન વિભાગને તેનું મોનીટરીંગ કરવા પણ સૂચન કર્યું હતું.હાલમાં અન્ય જિલ્લાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બાબતને વધુ ગંભીતાપૂર્વક લેવા પણ તેમણે તાકીદ કરી હતી. ઉપરાંત પશુપાલન વિભાગના હાલના મહેકમ તેમજ મંજૂર મહેકમની વિગતો મેળવી સબંધિત સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઇશિતાબેન મેર, નાયબ પશુપાલન નિયામક કટારા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ અભિષેક પારેખ (જી એકસપ્રેસ ન્યુઝ મોરબી)