પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ એની પાછળ લાખો નામી અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે
શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે
ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારી પુરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમસ્થાને છે
શક્તિપીઠ અંબાજી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રેલ્વેની સુવિધાથી વંચિત હતું જેને રેલ્વે નેટવર્કથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધો છે
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજયમાં સૌથી વધારે કુલ-૧૫૯૫ નવા ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે
જિલ્લામાં પાંચ વર્ષમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે
બનાસકાંઠા જિલ્લો વર્ષ-૨૦૨૧-૨૨ માં ૨૩.૬૦ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે
કરમાવદ તળાવ ભરવા માટે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારના ખેડુતો, પશુપાલકો અને ગ્રામજનો માંગણી કરી રહ્યા હતા તેને સહર્ષ સ્વીકારી કરમાવદ તળાવ ભરવા માટે રૂ.૫૫૦ કરોડની યોજના મંજૂર કરી છે
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરી જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં યોગદાન આપનારા અનેક વીરસપુતો સહિત રાષ્ટ્રપિતા પૂજય મહાત્માર ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, બંધારણના ઘડવૈયા ર્ડા. બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ એની પાછળ લાખો નામી અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. આ મહાપુરૂષોએ દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે જબરજસ્ત સંઘર્ષ કર્યો, જેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઇ આ મહામુલી આઝાદીનું જતન કરીએ.
મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિકાસ અને સુશાસનનાં ફળ દેશભરમાં છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી ગુજરાતની વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ‘‘ટીમ ગુજરાત’’ વધુ તેજ રફતારથી આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે, ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારી પુરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમસ્થાને છે. આ ઉપરાં ટુરીઝમ ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય અગ્રેસર છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓનું સરળીકરણ કરીને લોકોના હિતમાં જુના-પુરાણા કાયદાઓ રદ કર્યા છે જેના લીધે ખેડુતોને ફાયદો થયો છે.
મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે, આ જિલ્લામાં આવેલું શક્તિપીઠ અંબાજી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રેલ્વેની સુવિધાથી વંચિત હતું જેને રેલ્વે નેટવર્કથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધો છે. પી. એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ રૂ. 2798.16 કરોડના ખર્ચે આકાર પામનાર તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીની 116.65 કિ.મી. નવી રેલ્વે લાઇનને મંજૂરી આપવામા આવી છે. આ રેલ્વે લાઈનના નિર્માણથી અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલ્વે કનેક્ટિવિટીથી જોડાશે તેમજ દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં અંબાજી પહોચવું વધુ સરળ બનશે. તેમણે ઉમેર્યુ કે, અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાઇ રહ્યો છે જેની તૈયારીઓ તંત્ર દ્વારા એડવાન્સમાં શરૂ કરી દેવામાં આવી છે.
મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારત- પાકિસ્તાનની બોર્ડર નજીક નડાબેટ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા BSF જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી- કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર રૂ. 125 કરોડના ખર્ચે સીમાદર્શન કાર્યક્રમ શરૂ કરાયો છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લારમાં શિક્ષણની વ્યાેપક સુવિધાઓને લીધે છેવાડાના કે અંતરિયાળ વિસ્તાએરો સુધીના દિકરા અને દિકરીઓ ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ વર્ષે તા. ૨૩ જૂન-૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળાથી પ્રવેશોત્સવ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજયમાં સૌથી વધારે કુલ-૧૫૯૫ નવા ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના શિક્ષણનો ગ્રાફ અને ગુણવત્તા દિન પ્રતિદિન વધી રહ્યો છે હવે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. જિલ્લામાં પાંચ વર્ષમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ થઇ છે. દૂધ સંપાદનમાં બનાસડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાાને છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ-૨૦૨૧-૨૨ માં ૨૩.૬૦ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની મહેનતથી સૂકા પ્રદેશમાં શ્વેતક્રાંતિ આવી છે. બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. બનાસ ડેરીની દૈનિક દૂધની આવક ૯૦ લાખ લીટરે પહોંચી છે જે લાખો પશુપાલકોની મહેનત અને આગવી કોઠાસૂઝને આભારી છે તેમ તેમણે જણાવ્યુ હતું.
તેમણે કહ્યું કે, આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકો ખાસ કરીને પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તીની પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સ્વીકાર કરીને મહત્વનો નિર્ણય લીધો છે. વડગામ વિસ્તારમાં આવેલ કરમાવદ તળાવ ભરવા માટે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારના ખેડુતો, પશુપાલકો અને ગ્રામજનો માંગણી કરી રહ્યા હતા તેને સહર્ષ સ્વીકારી કરમાવદ તળાવ ભરવા માટે રૂ.૫૫૦ કરોડની યોજના મંજૂર કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે કે, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની હોમ સાયન્સ કોલેજની એન.સી.સી. કેડેટ દીકરી રીંકલ તુલસીભાઇ સાલવી આજે ૧૫ મી ઓગસ્ટે દિલ્હી ખાતે યોજાઇ રહેલ રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લીધો છે. તેમણે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાં ભૂમિ સુપોષણ અને સંરક્ષણ વિષય પર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તાલીમ આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્યકક્ષા સુધી આરોગ્યની સેવાઓ સરળતાથી મળી રહે તે માટે સુંદર આરોગ્ય માળખું ઉપલબ્ધ છે. આરોગ્યની ૧૦૮ ટીમ દ્વારા ગયા વર્ષમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ૪૫,૧૪૭ દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી હતી તથા ૨૪,૯૭૮ સગર્ભા મહિલાઓને ડિલીવરીના સમયે સેવા પૂરી પાડવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, જેને કોઇ આધાર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનો સન્માનપૂર્વક જીવી શકે માટે રાજ્ય સરકારે ‘‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’’ અમલી બનાવીને સીધા તેમના બેંક ખાતામાં દર મહિને રૂ.૧૨૫૦/- સહાય આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં જુલાઈ-૨૦૨૨ના અંત સુધીમાં કુલ- ૫૫,૭૫૪ ગંગા સ્વરૂપ માતાઓને રૂ. ૬.૯૬ કરોડની રકમ તેમના ખાતામાં જમા કરાવાઇ છે. આમ આ સરકાર ગરીબો અને વંચિતો માટે સમર્પણ ભાવની કામ કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ બનાસકાંઠા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જિલ્લાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓ અને અધિકારીઓ, કર્મચારીઓનું મંત્રીશ્રીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું. કાર્યક્રમમાં લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજયસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, કુલપતિશ્રી ર્ડા. આર.એમ.ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી માવજીભાઇ દેસાઇ, શ્રી રમેશભાઇ ઘાડીયા, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી