કલેક્ટરશ્રીએ તાલુકા કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લઇને લોકોના પ્રશ્નો સાંભળી જરૂરી મદદ-સહાયની ખાતરી આપી
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અઘ્યક્ષસ્થાને સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ’મુખ્યમંત્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સિહોર સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની પરિસ્થિતિ અંગે, તેમજ નગરપાલિકના દરેક વોર્ડમાં સ્વચ્છતા તથા ડી.ડી.ટી. નો છંટકાવ, ફોગીંગ કરવાં સહિતના પ્રશ્નો અને સિહોરના સુરકા દરવાજાથી બાયપાસ રોડ પરના ઐતિહાસિક એવાં બ્રહ્મકુંડ રોડ પર સિમેન્ટ કોક્રિટના ગાબડાં અને લોખંડ સળિયા બહાર આવવાં તથા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને નુકશાન થવાની ભીતિ વગેરે અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ અરજદારોના આ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. આ સાથે કલેકટરશ્રીએ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ, ઇ- ધરા વિભાગ સહિત વિવિધ વિભાગની સ્થળ મુલાકાત લેવાં સાથે અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમને કનડતાં પ્રશ્નો અંગે પૃચ્છા કરી જરૂરી સહાય- મદદની ખાતરી આપી હતી.
કલેક્ટરશ્રીએ પ્રશ્નોની રજૂઆત સાંભળીને આ બાબતે સત્વરે ધ્યાન આપીને તુરંત આ પ્રશ્નોનો નિકાલ કરવાં માટે તાલુકા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી.
સિહોરના જાગૃત સામાજીક કાર્યકરશ્રી હરીશભાઈ પવાર દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેનો પણ સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદારશ્રી મોસમ જાસપુરિયા, નાયબ મામલતદારશ્રી હેતલબા ગોહિલની ખાસ ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના અરજદારોના પ્રશ્નોને લઈ કલેકટરશ્રીએ તાલુકા વિકાસ અધિકારીશ્રી દેસાઈ અને ચાંપરાજભાઈ ઉલ્વા, સિહોર સરકારી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી રૂબીનાબેન પઢિયાર, સિહોર તાલુકાના આરોગ્ય અધિકારી ડો. કણઝરિયા, આરોગ્ય સુપરવાઈઝરશ્રી અનિલભાઈ પંડિત, નગરપાલિકાના ઈન્ચાર્જ અધિકારીશ્રી વિજયભાઈ વ્યાસ સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.