જ્યારથી લખવાની અને વાંચવાની યાત્રા શુરુ થઇ ત્યારથી કોઈ પણ ઐતિહાસિક જગ્યાની મુલાકાત લઉં ત્યારે આનંદ માણવાની સાથે કંઈક નવું જાણવાની ઈચ્છા થાય છે. અને સ્વજનો અને મિત્રો પણ તે માહિતીનો રસથાળ આરોગી શકે તેવી અંદરથી ઈચ્છા થાય છે.. આ વખતના સૌરાષ્ટ્રના પ્રવાસે મને આનંદની સાથે ઘણી માહિતીથી માહિતગાર કરી છે.. તેનો એક અંશ આપની સમક્ષ મુકું છું…
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી બાર કિલોમીટર દૂર આવેલું જગતિયા ગામ એક રહસ્યમય જ્યોતના કારણે પ્રસિદ્ધ છે. આ ગામ આસ્થાનું કેન્દ્ર છે. વાત જ્યારે શ્રદ્ધા અને આસ્થાની આવે ત્યારે ગમે તેવા તર્ક અને વિજ્ઞાન તેની આગળ પાણી ભરે છે.. આ જ્યોતની દંતકથા પણ છે અને કથા પણ છે.
વર્ષો પહેલા જગતિયા ગામમાં છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે આખા ગામને કાળ ભરખી જવાના વહેણમાં જ હતો. તે વખતે જ અણીના સમયે શેઠ જગડુશાએ પોતાના બધા જ અન્નના ભંડાર, સોના- ચાંદી, ઝવેરાત,પોતાની પાસે રહેલી અખૂટ બધી જ સંપત્તિ ખાલી કરી દીધી હતી અને લોકોને દુકાળમાંથી બચાવ્યા હતા. ત્યારે માતાજી વાણિયાની ઉદારતા જોઈ પ્રસન્ન થયાં હતા અને વરદાન આપ્યું હતું કે આ ગામમાં હવે ક્યારેય દુકાળ નહીં પડે. માણસો, ઢોર ઢાંખર ભૂખ્યા નહીં મરે. આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વયથી ભરપૂર આ વિસ્તારને “લીલીનાગેર “તરીકે પણ ઓળખવામાં આવે છે.જગતિયા ગામે જગડુશા શેઠની જમીન પર જગડુશા શેઠનું મંદિર અને હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે.
અહીંયા કુદરતી રીતે ગેસ પ્રગટ થાય છે.પરંતુ એટલી માત્રામાં ગેસ નથી નીકળતો કે તેનો સંગ્રહ કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે આ જ્યોત કોઈને દઝાડતી નથી.10,20 કે 50 ની નોટ જ્યોત આગળ ધરવાથી તે નોટ સળગતી નથી. આ અનુભવ મે ત્યાં જઈ પ્રત્યક્ષ કર્યો છે આ ચમત્કાર નથી તો શું છે? જમીનમાંથી નીકળતા ગેસનો તાગ મેળવવા ongc અને સરકારમાંથી અનેક જાણકાર અધિકારીઓ પણ આવ્યા પણ કઈ ખાસ મળ્યું નહીં.
આ જ્યોત સાથે બીજી એક માન્યતા પણ જોડાયેલી છે. ઇસવીસન 1921 માં સયાજીરાવ ગાયકવાડના સમયમાં અંગ્રેજ ઈજનેર કપ્તાન પાર્મર આ જગ્યાના સંશોધન માટે આવ્યા હતા અને ત્રણથી સાત બોર કર્યા હતા અને જમીનમાંથી ગેસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ જોઈએ તેટલો ગેસ મળ્યો નહોતો.
અને માન્યતા એ પણ છે કે કોઈ ગેસ લઈ જવાનો પ્રયત્ન પણ કરે તો પણ 100 ફૂટ પહોંચતા તે બ્લાસ્ટ થઇ જાય છે. શ્રદ્ધાનો વિષય તો ત્યારે ગાઢ બને છે કે જ્યારે દૂર દૂરથી લોકો અહીંયા માનતા રાખવા આવે છે અને લોકોની મનોકામના પૂરી થાય છે અને તે મનોકામના માટેનો પ્રસાદ આ જ્યોતમાંથી જ બને છે.
જગતિયા ગામની બાજુમાં જ એક પ્રાથમિક શાળા છે અને ત્યાં બાળકો માટે જે ભોજન બને છે તે આ જ્યોતમાંથી જ બને છે.રાજ્ય સરકાર ઈચ્છે તો આ જગ્યાને ટુરિઝમ સ્થળ તરીકે જાહેર કરી શકે છે. જેથી લોકો વિજ્ઞાનની સાથે શ્રદ્ધા અને અદ્રશ્ય શક્તિને પણ સમજતા થાય.. હું તો આ જગ્યાએ જઈ દર્શન કરી પાવન થઇ.. આપ સૌ ક્યારે જવાના છો??
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “