તા. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા અમદાવાદના બિઝનેસ અને એજ્યુકેશનના લક્ષ્યની નિવ ઉપર નિર્માણ પામેલા સરદારધામ ખાતે ગુજરાત રાજ્યની અલગ અલગ શહેરોમાંથી પોતાના ક્ષેત્રે સફળ તેવી પાટીદાર સમાજની સન્નારીઓ અને સરદારધામ સંસ્થાના પ્રણેતા એવા પ્રધાન સેવક શ્રી. ગગજીભાઈ સુતરિયા વચ્ચે સળંગ સાત કલાક સુધી સંવાદ યોજાયો હતો.
પોતાના બિઝનેસમાં પોતે કેવી રીતે આગળ વધ્યા તે સંઘર્ષ જણાવીને અનેક સન્નારીઓએ અન્ય શ્રોતા સન્નારીઓને મોટીવેટ કર્યા હતા. આંગળીના ટેરવે ગણી ના શકાય તેવા અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ આગળ ધપેલી સન્નારીઓથી સરદારધામ કેમ્પસ શોભાયમાન થઈ રહ્યું હતું. દુનિયા કહેતી હશે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. પણ સન્નારીઓની પરસ્પર સમજૂતી અને એકબીજાને હાથ પકડીને આગળ લઈ આવવાની ભાવના પ્રત્યક્ષ વર્તાતી હતી.
સરદારધામમાં આર્થિક સધ્ધર ના હોય તેવા ઘરની દીકરીઓને એક રૂપિયાની ટોકન ફી લઈને ભણાવવામાં આવે છે. અત્યાધુનિક ટેકનોલોજી પુરી પાડવામાં આવે છે. તેમજ ચોખ્ખાઈમાં તો પહેલો ક્રમાંક આખા વિશ્વમાંથી સરદારધામ જ લઈ જાય. અદભૂત સગવડતાઓ સાથે નિર્માણ પામેલું સરદારધામ ભાવિ પેઢી માટે ઉજ્વળ ભવિષ્ય પ્રદાન કરશે. રોજ કોઈને કોઈ વિદ્યાર્થીઓ સરકારી ખાતામાં નિમણુંક પામે છે.
ડૉ. જાગૃતિબેન, લીનાબેન, વૈશાલી બેન… કેટ કેટલી સન્નારીઓના નામ લઉં? પોતાની આગવીસૂઝથી અનેકવિધ યોજનાઓ થકી દીકરીઓના ઉજ્વળ ભાવિ માટે કટિબદ્ધ છે. આજના સમયમાં સ્ત્રીઓએ ઘરે બેસી રહેવું તે વાત સ્વીકાર્ય નથી. આર્થિક રીતે પોતે પગભર થઈને નાની મોટી સહાય સંતાનો અને પરિવારને કરે છે. અને પોતાના ક્ષેત્રે સફળતાનાં સોપાનો સર કરી સમાજમાં ઘર પરિવારની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરે છે.
કોઈ સન્નારી શહેરોમાં સ્કૂલ ચલાવે છે, તો યોગા કલાસ, કોઈ ટેક્સટાઇલમાં છે તો કોઈ ડૉક્ટર, કોઈ લેખક તો કોઈ ડિઝાઈનર, કોઈ કૂક તો કોઈ કમાન્ડો અને પાયલોટ, કોઈ હીરાઉદ્યોગમાં તો કોઈ ડેપ્યુટી કલેક્ટર, કોઈ જિલ્લા રજીસ્ટાર તો રાજકારણમાં. લગભગ કોઈ એવું ક્ષેત્ર નહોતું કે જે ક્ષેત્રની સફળ સન્નારીઓ ત્યાં હાજર નહોતી. પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયા પણ સ્ત્રીઓની આ સંઘર્ષકથા અને મહેનત જોઈને દંગ રહી ગયા હતાં.
બિઝનેસ સમિટ હોય કે એજ્યુકેશન, ભવનોનું નિર્માણ હોય કે કોઈ કાર્યક્રમોનું આગવું આયોજન. હાજર દરેક સન્નારીઓએ પોતાના કાર્યની સાથે સાથે સમાજસેવાના કાર્યમાં પોતાની તન મન અને ધનથી સેવા આપવા અઢળક રાજીપો વ્યક્ત કર્યો હતો. એક વાત નીકળી કે દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકનથી અહીંયા રહેવાની, જમવાની અને અન્ય સગવડો આપવામાં આવે છે ત્યારે સન્નારીઓ તરફથી દાનનો ધોધ વરસ્યો હતો. સતત 20 મિનિટ સુધી દાતાઓના નામની જાહેરાત થતી હતી. આ વાત જ સાક્ષી છે કે સરધારધામનો ભાવિ ઉદ્દેશ્ય શુ છે.
અનેક સન્નારીઓને જોન, તાલુકા કે જિલ્લા કન્વીનિયર તરીકે નિમણુંક આપવામાં આવી હતી. સુરતનાં સુપ્રસિદ્ધ લેખિકા અંકિતા મુલાણીને માત્ર 29 વર્ષની ઉંમરમાં સરધારધામની યુવા તેજસ્વીની સંગઠનમાં સફળ સો સ્ત્રીઓની પાર્લામેન્ટમાં સરદારધામ સલાહકાર તરીકેની વરણી થઈ હતી. સાથે સાથે દરેક આમંત્રિત સન્નારીઓને સરદાર સાહેબનો ફોટો આપી ખેસ પહેરાવી “સફળ સન્નારી” ના એવોર્ડથી સન્માનિત કરી હતી.