સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલી લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે.
ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે અને સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. ત્રીજા માળે આવેલી લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો અને ત્રીજા માળેથી સીધી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી, જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ધડાકાભેર લિફ્ટ નીચે પડતાં આઠ કામદારમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.આઠ કામદારોથી ભરેલી લિફ્ટ ત્રીજા માળેથી નીચે પટકાતા નીચેના લુમ્સના કારખાનામાં કામ કરી રહેલા કામદારો દોડી આવ્યા હતા.
આ ઘટના સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. લિફ્ટમાં ઉપરથી આવતા હતા. અચાનક લિફ્ટ જ તૂટી ગઈ. ત્રીજા માળે કપડાં ધુલાઈનું કામ ચાલે છે. જેમાં આઠ માણસો લિફ્ટમાં આવતા હતા. ઉપરથી લિફ્ટ તૂટી પડતા હાથ પગ તૂટી ગયા હતા.બુમાબૂમ થવા લાગી હતી.
અમે બહાર આવીને તમામને ઉઠાવીને બહાર કાઢ્યા હતા. બે-બે માણસ કરીને એક પછી એક ઉઠાવીને બધાને બહાર કાઢ્યા અને પછી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.ઘટના બન્યાની જાણ સુરત મહાનગરપાલિકાનાં મેયર હેમાલીબેન બોઘાવાળાને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. લિફ્ટ જ્યાં તૂટી છે એ જગ્યાએ પહોંચી એનું નિરીક્ષણ કર્યું અને ત્યાંથી તેઓ સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને ખબર પૂછવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
લિફ્ટ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત કનૈયાએ જણાવ્યું હતું કે અમે શાંતિનાથ મિલની પાછળ આવેલ લોન્ડ્રી એન્કલેવની છત પર રહીએ છીએ. અમારી ડ્યુટી માટે અમે તૈયાર થઈને નીચે આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ લિફ્ટ તૂટી ગઈ અને તમામ લોકો નીચે પડ્યા હતા. તમામને ખૂબ જ વાગ્યું છે. હાથે, પગે, કમરે વાગ્યું છે.
ભટારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દરમિયાન સિવિલ હોસ્પિટલના સીએમઓ દિનેશ પ્રસાદ મંડળે જણાવ્યું હતું કે સવારે 9:00 વાગ્યાની આસપાસ લિફ્ટ દુર્ઘટનામાં આઠથી નવ ઇજાગ્રસ્ત થયેલ માણસોને સિવિલ લાવવામાં આવ્યા હતા. તમામની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જેમાંથી એકનું મોત થયું છે.
બાકી તમામને હેડ ઈન્જરી અને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. ત્રણ કે ચાર વધુ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તમામની સારવાર ચાલી રહી છે. એક્સપ્રેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જ માલુમ પડશે કે વધુ કેટલી ગંભીર ઇજાઓ થઈ છે.
આ ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.H- ડિવિજન ના એસીપી ઝેડ. આર.દેસાઈએ જણાવ્યું હતું કે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવજીવન સર્કલ પાસે જલારામ સોસાયટીમાં એક દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં કોમર્શિયલ લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
લિફ્ટ ઉપર- નીચે થતી હતી તે દરમિયાન માણસો બેસતા લિફ્ટનો તાર તૂટી પડતાં લિફ્ટ નીચે પડકાઈ હતી.જેમાં ઉમાકાંત છોટેલાલનું મૃત્યુ થયું છે. અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસ આ ઘટનામાં એફ.એસ.એલ કે એક્સપર્ટની રિપોર્ટ આવ્યા બાદ જેની બેદરકારી જણાશે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સુરત ભટારની શાંતિવન મિલમાં દુર્ઘટના એક નું મોત 8 ઘવાયા ઇજાગ્રસ્ત તમામની કમર તૂટી પગ ફેક્ચર થયા, શાંતિવન મિલ માં બની ઘટના બીજા માળેથી લિફ્ટ ખોટકાતા તમામ નીચે પટકાયા તમામ સિવિલમાં દાખલ.