કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હિંમતનગરના ગાંભોઇ નજીક આવેલ શામળાજી હાઇવે રોડ પર સરવણા ગામ પાસે બાઇક પર જઇ રહેલા એક બાઇક ચાલકને અચાનક ચાર શખ્સોએ રોડ પર આવી ઉભો રાખીને લાકડીઓ તથા છરીના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી થેલો ઝુંટવીને યુવકની બાઇક લઇ નાસી ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ગાંભોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો.
તેની પાસે રહેલ રૂપિયા 21 હજારની રોકડ ભરેલો થેલો અને બાઈક લઇને નાસી ગયેલા ચાર શખ્સો વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાકડીઓથી માર મારી નીચે પાડી યુવકને ચપ્પાના ઘા માર્યા
આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે, હિંમતનગરના નવલપુર ભાટોડા ગામે રહેતા શકિતસિંહ આલુસિંહ પરમાર (ઉં.વ.28) પોતાની પલ્સર મોટર સાયકલ નંબર જીજે.09.સીપી.8625 લઇને આઈડીએફસી બેંકમાં પોતાની ફરજ પૂર્ણ કરી હિંમતનગરથી પોતાના ઘરે નવલપુર ભાટોડા તરફ જઇ રહ્યાં હતાં.
તે દરમિયાન સરવણા નજીક રસ્તામાં ચાર શખ્સોએ શકિતસિંહ આલુસિંહ પરમારને ઉભો રાખી લાકડીઓથી માર મારી નીચે પાડી દીધો હતો. જોકે શકિતસિંહ આલુસિંહ પરમારે અચાનક બનેલી આ ઘટનાથી ડર્યા વગર ચારે શખ્સોનો સામનો કર્યો હતો. ત્યારે આ ચાર શખ્સોએ છાતીના નીચેના ભાગે ચપ્પાના ઘા મારી શકિતસિંહ આલુસિંહ પરમારને લોહી લુહાણ કરી દીધો હતો અને તેના પાસે રહેલા થેલામાં રહેલા રૂપિયા 18 હજાર તથા પેન્ટના ખીસામાંથી રૂપિયા ત્રણ હજાર મળી કુલ 21 હજારની રોકડ રકમ તેમજ 40 હજારની કિંમતનું બાઇક લુંટીને નાસી ગયા હતા.
લૂંટ કરી લઇ ગયેલ બાઈક બીનવારસી મળી આવ્યું
અચાનક બનેલી આ ઘટનાથી ઇજાગ્રસ્ત શકિતસિંહ આલુસિંહ પરમારે બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને ગાંભોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને રજા આપી દીધી છે, તો લૂંટના બનાવ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરૂધ્ધ શકિતસિંહ આલુસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ લૂંટ કરી લઇ ગયેલ બાઈક હિંમતનગર હડીયોલ રોડ પર બીનવારસી મળી આવ્યું છે. પોલીસે પણ લૂંટનો ગુનો ઉકેલવા માટે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.