-છેલ્લાં દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાની હાજરી તથા નવસારી મૃતક પરિવારોને અગિયાર હજારની પ્રસાદી —
લાઠી (તખુભાઈ સાંડસુર દ્વારા)
કલાપી નગરી લાઠીના આંગણે તારીખ 24 થી આરંભાયેલી રામકથા માનસ શંકર આજે રવિવારે નૂતન વર્ષ 1 જાન્યુઆરી 23 ના રોજ સંપન્ન થઈ. પ્રારંભે યુવા યજમાન શ્રી હિત રમેશભાઈ શંકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.આજે કથામાં અમરેલી જિલ્લાના વતની અને રાજ્યમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી રહેલાં મા.શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત હતાં.

યજમાનશ્રી ઘનશ્યામભાઈ શંકર પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું અને શ્રી પ્રફુલ્લભાઈએ પોતાના પ્રસંગે ઉદબોધનમાં આ પ્રકારના ઉપક્રમો સાંસ્કૃતિક અસ્મિતાને જાળવી રાખવા અને સંસ્કારોના આંદોલન તરીકે મહત્વના ગણાવ્યા હતાં.યજમાન શ્રી ઘનશ્યામભાઈ શંકરે આ ભગીરથ કાર્યની સફળતા માટે સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પૂ. મોરારીબાપુ એ આજના કથા પ્રવાહમાં પ્રવેશ કરતાં કહ્યું હતું કે રામકથાના અલગ અલગ કાંડ વિશેષ સંદેશ આપે છે. અયોધ્યા કાંડ એ પ્રેમનો સંદેશ આપે છે અને કીસ્કીંધા કાંડ જ્યારે રાજા કોઈ કાર્યમાં સંપૂર્ણ ન હોય ત્યારે મંત્રીની ભૂમિકા કેવી સરાહની હોય છે તે વાત રજૂ કરે છે. સત્ય બ્રહ્મ છે. જ્ઞાનની માંગ અરણ્યકાંડમાં છે.

આજે કથામાં બાપુએ બાલકાંડથી કથાને આગળ વધારીને છેક ઉત્તરકાંડ સુધીના તમામ ઘટનાક્રમને સંક્ષિપ્તમાં વર્ણવ્યો હતો.લંકાકાંડ એ નિર્વાણની માંગ પૂરી કરે છે.જીવન આખું પરદ્રોહમાં વિતાવ્યું હોય તો પણ રામ તત્વ તેનું નિર્વાણ કરે છે. જૈન મુનિ ચિત્રભાનુજી કહેતા વેશના સાધુ કરતાં વૃતિના સાધુ બનવું ખૂબ સારું.અયોધ્યામાં રામના પ્રવેશ અને પછી સીતાહરણ,રાવણનું નિર્વાણ વગેરે કથાઓ પૂર્ણ કરી અને રામરાજ્યાભિષેક સુધીની કથા પ્રવાહી રીતે પૂર્ણ થઈ હતી.

કાગભુષંડી, યાજ્ઞવલ્ક્ય અને બધાં જ રામકથાના વક્તાઓના ઉદાહરણો સહિતની ધારા આજની કથામાં જોવા મળી.બાપુએ આવા વિશાળ ભગવદ્ કાર્યો કોઈ અનન્ય ચેતનાના આશિર્વાદથી જ સંપન્ન થાય છે તેમ જણાવ્યું.

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહન દુર્ઘટનામાં નિધન થયેલાં આત્માઓના પરિવારજનોને હનુમંત પ્રસાદીરૂપે રૂપિયા 11000 -11000 મોકલવાની બાપુએ જાહેરાત કરી હતી.તેના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

લાઠી રામકથા દરમિયાન કથાની સાથોસાથ અનેક સેવાકીય પ્રકલ્પો ચાલતાં રહ્યાં હતાં. પંખીને ચણ, કૂતરાને રોટલા, ગાયોને નીરણ,વિધવા બહેનોને માટે રાશન કીટ, રક્તદાન કેમ્પ, 76 જેટલી દીકરીઓના સમૂહલગ્ન, સર્વ નિદાન કેમ્પ,વૃક્ષારોપણ જેવાં અનેક સેવાકીય કાર્યો આ રામકથાના પ્રેમ યજ્ઞની સાથે જોડાયેલાં રહ્યાં. તે બૂધા જ લક્ષ્યાંક મુજબ સુચારુ રીતે પાર પડ્યા.યજમાન શ્રી દુલાભાઈ,ઘનશ્યામભાઈ, તુલસીભાઈ વગેરે સુંદર આયોજન વ્યવસ્થા કરી હતી.

લોક કલાકારો શ્રી કિર્તીદાન, માયાભાઈ,રાજભા વગેરેની નજર કલાપી પર જરાય પડી ન હતી તેની સુજ્ઞજનોએ નોંઘ લીધી હતી.પુ.બાપુએ લાઠીની કોઈપણ ચેતનાનું સ્મરણ ન કર્યું હોય તેવો એકેય દિવસ ગયો નહોતો.લગભગ 10 દિવસ દરમિયાન બધાં મળીને હજારો લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
















