સચિવશ્રીએ ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા બાળકો અને પરિવારોના જીવનમાં પરિવર્તન લાવનાર સમગ્ર પ્રોજેકટ અંગે તલસ્પર્શી માહિતી મેળવી
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુશ્રી અંજલિ ભાવરા અને અન્ય સચિવશ્રીઓ અંબાજી ખાતે ભૂતકાળમાં ભિક્ષાવૃતિ કરતાં અને અત્યારે એને ત્યજીને શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારોના જીવનમાં આમૂલ પરીવર્તન લાવનાર ‘ભીખે નહીં, ભણવા જઈએ’ના સૂત્ર સાથે શરૂ થયેલ પ્રોજેકટ અંગે માહિતી મેળવવા તથા આ વિશેષ પહેલનો અભ્યાસ કરવા માટે ખાસ અંબાજી આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંયોજક શ્રીમતી ઉષાબેન અગ્રવાલ દ્વારા સચિવશ્રીને સમગ્ર પ્રોજેકટ અંગે પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સચિવશ્રી અંજલિ ભાવરાએ ભીખ માંગવાનુ બંધ કરી શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંચાલિત શાળામાં અભ્યાસ કરતાં અને દરરોજ ગબ્બર તળેટી ખાતે માતાજીની આરતી કરતાં બાળકો સાથે ગબ્બર પરિસરમાં વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેઓએ આ બાળકોને એમના ભૂતકાળ વિષે, તેમના અભ્યાસ, રસ-રૂચિ, રમત-ગમતમાં મેળવેલ સિદ્ધિઓ તથા કારકીર્દી સબંધિત ચર્ચા કરી હતી. તેઓએ આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા અને અન્ય બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને આગવી પહેલ તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા બાળકોના પરિવારોને આ કાર્યમાંથી બહાર નિકાળવા કુંભારિયા ખાતે રહેવા માટે પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા છે. કુંભારિયા ખાતે શક્તિ વસાહતમાં સચિવ સુશ્રી અંજલિ ભાવરાએ આ પરિવારના લોકોને મળીને એમની સાથે ચર્ચા કરી હતી.
તેઓએ બહેનોને તેમના કામ અને બાળકોના શિક્ષણ વિશે પ્રૂચ્છા કરી હતી. અહી રહેતા પરિવારજનોએ આ પ્રોજેકટથી એમના જીવનમાં આવેલ પરિવર્તન અંગે જણાવતા કહ્યું હતું કે ઘણા વર્ષો સુધી તેઓ ભીખ માંગતા હતા અને ખૂબજ કષ્ટદાયક જીવન વિતાવતા હતા. એમના બાળકો પણ ગંદકીમાં રહેતા હતા.
પરંતુ, આ પ્રોજેકટ દ્વારા એમના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે પરિસ્થિતિ બદલાઈ છે. તેઓએ ભીખ માંગવાનુ સદંતર બંધ કરી દીધું છે. તેઓને રહેવા માટે સારું મકાન મળ્યું છે, બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને પરિવારની સ્ત્રીઓ પણ વ્યવસાય કરીને આર્થિક ઉપાર્જન કરી રહી છે.
ભારત સરકાર દ્વારા ખાસ ભીખ માંગવા જેવી સામાજિક સ્તરે નિમ્ન ગણાતી પ્રવૃતિમાથી ‘ભિક્ષા નહિ શિક્ષા’ના મંત્ર સાથે બહાર આવેલ આ બાળકોના જીવન પર થયેલ અસરનો અભ્યાસ કરવા આવેલ સચિવશ્રી અંજલિ ભાવરાએ આ વિશેષ પહેલ બદલ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રયાસોને બિરદાવ્યા હતા.
તેઓએ જણાવ્યુ કે અહી આવીને મને ખૂબ જ ખુશી થઈ છે. આ પ્રોજેકટમાં જોડાઈને સૌ પરિવારજનોએ સામાજિક ઉત્થાનમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે અને બંને તરફના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. સચિવશ્રીએ જણાવ્યુ કે આ પ્રોજેકટમાં સૌએ સાથે મળીને હોલિસ્ટિક એપ્રોચથી કાર્ય કર્યું છે. જેનાથી આ બાળકો સન્માન સાથેનું જીવન જીવી શકશે. આ પ્રોજેક્ટને દેશના અન્ય સ્થાનો પર પણ લાગુ કરી શકાય એ માટે અહીના અનુભવો ખૂબ ઉપયોગી બની રહેશે.
બનાસકાંઠા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના આ અનોખા પ્રોજેકટની મુલાકાત વખતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીના અંગત સચિવશ્રી શાંતનુ અગ્રહરી, નાયબ સચિવશ્રી અમરીશ બહાદુરપાલ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રકાશ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, શ્રી શક્તિ સેવા કેન્દ્રના શ્રી દુર્ગેશભાઈ અગ્રવાલ, કુંભારિયા ગ્રામના સરપંચશ્રી ગોવાભાઇ ડુંગશિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી