ગાંધીનગર: G 20 હેઠળ ગુજરાતમાં યોજાઇ રહેલ ત્રિવસીય સૌપ્રથમ કાર્યક્રમ ‘B-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનું ગાંધીનગરમાં ધ લીલા હોટેલ ખાતે ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ત્રિદીવસીય મીટિંગમાં સહભાગી થવા મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના Mr. Agus P Saptono, કેનેડિયન હાઈ કમિશન Ms. Jennifer Daubeny, નાઈજીરીયન હાઈ કમિશન Mr. Ahmed Tijani Olayiwola Lawal,નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ પોલેન્ડના lii સચિવ Ms.Michalina Seliga, સિટી ગ્રૂપના સ્પીકર Mr. Charlesrick Johnston, નેધરલેન્ડ સ્થિત AMFROI કંપનીના પ્રમુખ Ms. Linda Kromjong તેમજ CIIના પ્રમુખ અને બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન -એમડી શ્રી સંજીવ બજાજ સહિત રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ગુજરાતના મહેમાન બન્યા છે.
આ વૈશ્વિક મહાનુભાવના સ્વાગત પ્રસંગે ગુજરાત સરકારના કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી કમિશનરની કચેરી દ્વારા હોટલ લીલા ખાતે ગુજરાતની આગવી ઓળખ સમી વિવિધ હસ્ત કલાકારીગીરીનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ‘હસ્તકલા સેતુ યોજના’ અંતર્ગત મેટલ ક્રાફ્ટ, લેધર ક્રાફ્ટ, વુડન ક્રાફ્ટ, રોગન પેઈન્ટ આર્ટ અને કચ્છી ભૂંગાની હસ્તકલાકારીગીરી દર્શાવવામાં આવી હતી. ગરવી ગુર્જરી દ્વારા પણ વિવિધ હસ્તકલાકારી ગીરીના આર્ટિકલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.જેને મહાનુભાવો દ્વારા રસપૂર્વક નિહાળીને આ કલા વિશે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત હોટલ ધ લીલા ખાતે કચ્છના નખત્રાણા તાલુકાના નિરાણા ગામના કલાકાર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી દ્વારા ગુજરાતની મશહૂર ‘રોગન આર્ટ’ની જીવંત પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી.