કપિલ પટેલ દ્વારા અરવલ્લી
.એન.આર.એ વિધાલય, ભીલોડા ખાતે અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનુ ચોથું વાર્ષિક મહાસંમેલન. તારીખ -૧૯/૦૨//૨૦૨૩ રવિવારના યોજાશે. આ એસોસિયેશન વિશે વઘુ માહિતી પ્રમુખશ્રી દિલીપકુમાર નિનામાએ આપતા જણાવ્યું કે અરવલ્લી સાબરકાંઠા જીલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતા આદિવાસી શિક્ષકોનું આ સામાજીક એસોસિયેશનની રચના કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક , સામાજીક અને રમત ગમત છે. તેના કેન્દ્ર સ્થાને સમાજના ગરીબ બાળકોને પડતી મુશ્કેલી દુર કરવી , શિક્ષક મિત્રોને પડતી મુશ્કેલી દુર કરવી અને એક શિક્ષક તરીકે સમાજને તન-મન-ધનથી મદદરૂપ થવાની ઉમદા ભાવનાથી એસોસિયેશનની રચના કરવામાં આવી છે.
ચોથા વાર્ષિક સંમેલનમાં શૈક્ષણિક , રમત-ગમત અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરી હોય તેવા ધોરણ -૧૦ ,૧૨ , મેડિકલ, પેરા મેડિકલ, એન્જિનિયરિંગ વગેરેમાં સારા ટકાએ પાસ થયેલા બાળકો અને શિક્ષક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવશે. બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિના અનુસંધાને સ્વાગત નૃત્ય અને લોકનૃત્ય રજુ કરવામાં આવશે.
વધુમાં દિલીપકુમાર નિનામાએ જણાવ્યું હતું કે હાલ સુધી અરવલ્લી , સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર અને અમરેલી જીલ્લાઓમાં એસોસિયેશનની રચના કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતના ૧૪ આદિવાસી જીલ્લાઓમાં ” ગુજરાત આદિવાસી શિક્ષક એસોસિયેશન ” ના નામે રાજ્ય લેવલનું એસોસિયેશન બનાવવામાં આવશે. તેનો સ્પષ્ટ ઉદ્દેશ એ છે કે ગુજરાતના દરેક વિભાગના આદિવાસી શિક્ષકો સામાજીક રીતે એક રહે , સમાજમાં અને રાષ્ટ્ર માટે હંમેશા મહત્વનું યોગદાન આપતા રહે.