ગાંધીનગર: ઓરિસ્સાના 70 જેટલા ખેડુતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે પધાર્યા હતા. ઓરિસ્સાના 13 મગફળી ઉત્પાદક સંઘના પ્રતિનિધિ ખેડૂતો ગુજરાતમાં મગફળીની ખેતીના અભ્યાસ માટે આવ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું કે, ખેતીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો પણ પ્રાકૃતિક ખેતી જ કરજો. ઓરિસ્સાને પ્રાકૃતિક ખેતી સાથે જોડશો તો ભવિષ્ય વધુ ઉજવળ બનશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. ઓરિસ્સાનાં જળ, જમીન અને હવામાન મગફળીના પાકને અનુકૂળ છે, છતાં ચાર લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતનો અભ્યાસ કરીને ઓરિસ્સામાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનું ઉત્પાદન વધારો. ઉત્પાદન ખર્ચ ઓછો આવશે અને ખેડૂતોની આવક બમણી થશે. ખેતીમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગથી મનુષ્યના જીવનમાં રોગની સમસ્યાઓ વધી છે. તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં જ છે. ઓરિસ્સાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોની મુલાકાત લો, ખેડૂતોને મળો, ફાયદા જુઓ પછી ભગવાન જગન્નાથજીની ભૂમિ-ઓરિસ્સામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવો.
લાઈવલીહૂડ ઑલ્ટરનેટીવ્ઝ સંગઠનના અધ્યક્ષ શ્રી સંબિત ત્રિપાઠીના નેતૃત્વમાં ઓરિસ્સાથી પધારેલા ખેડૂતો ગુજરાતની ‘એક્સપોઝર વિઝીટ’ પર છે. આ પ્રસંગે શ્રી સંબિત ત્રિપાઠીએ કહ્યું હતું કે, ઓરિસ્સાથી તેઓ ગુજરાતમાં બીજથી લઈને માર્કેટ સુધીની વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત પછી અમે; ઓરિસ્સાના ખેડૂતો નવું સપનું-નવી કલ્પના લઈને ઓરિસ્સા જઈશું.
ઓરિસ્સાના ખેડૂતોએ વિશિષ્ટ હર્ષધ્વનિ સાથે બંને હાથ ઊંચા કરીને ત્રણ વખત ‘જય જગન્નાથ’ના જયઘોષ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું. અંતમાં કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ સૌનો આભાર માન્યો હતો.