અમિત પટેલ અંબાજી
હજારો કિલોમીટરની યાત્રા બાદ એક પછી પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઘણા સમયથી રાહ જોવાતી હતી તેવી ગુજરાત યાત્રાની શુભ શરુઆત રવિવારથી થઈ ચૂકી છે. આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટેની યાત્રા ગુજરાતમાં બનાસકાંઠાથી શરુ કરવામાં આવી છે જેઓ ગુજરાતના વિવિધ પ્રાંતમાં અહિંસાનો સંદેશો આપશે.
9 નવેમ્બર 2014ના રોજ ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે આ યાત્રા શરૂ કરી હતી. આચાર્યશ્રી મહાશ્રમણજીએ આત્મકલ્યાણના હેતુથી અત્યાર સુધીમાં હજારો કિલોમીટરની યાત્રા કરી છે.
દેશભરમાં આ યાત્રાનો સીલસીલો ચાલું છે. ગુજરાતમાં તેઓ વિવિધ વિસ્તારમાં ફરશે અને લોકહિત માટેના અને આ યાત્રાના અહિંસાના ત્રણ ઉદ્દેશ્યો સદ્ભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિ લોકો સુધી પહોંચાડસે.
અહિંસા યાત્રા દરમિયાન, આચાર્યશ્રીએ ભારતના 20 રાજ્યોની મુલાકાત લીધી છે. જેમાં દિલ્હીથી ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને નેપાળ અને ભુતાનમાં 18 હજાર કિલોમીટરની પદયાત્રા કરી તેઓ ગુજરાતમાં આવ્યા છે.
આચાર્યશ્રીએ તેમની સાત વર્ષની પદયાત્રા દરમિયાન હજારો ગામડાઓ, નગરો અને શહેરોના કરોડો લોકો સાથે સીધો સંપર્ક કર્યો. વિવિધ જાતિ, વર્ગ વગેરેના લાખો લોકોએ સદભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિના વ્રત સ્વીકાર્યા અને તેમના જીવનમાં સુધારો કર્યો છે.
ફક્ત એટલું જ નહીં તેમને લાખો વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી પાસેથી સદભાવના, નૈતિકતા અને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવી યુથને જીવનમાં સાચો માર્ગ બતાવ્યો છે. ગુજરાતમાં પણ તેમની યાત્રા દરમિયાન યુથ સાથેના સંવાદના કાર્યક્રમો તસે.
ગુજરાત મુલાકાત દરમિયાન આચાર્યશ્રીની હાજરીમાં સર્વધર્મ પરિષદો અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવશે. વિવિધ સ્થળોએ વર્કશોપ, ધ્યાન શિબિરો, પ્રવચનો, પરિસંવાદો વગેરેના આયોજનો પણ થશે. કેટલાક રાજ્યોમાં મુલાકાત દરમિયાન આચાર્યશ્રીએ નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તાર અને ઉગ્રવાદ પ્રભાવિત કાર્બિએંગલોંગ અને બોડો વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના રહેવાસીઓને ખાસ પ્રેરિત કર્યા હતા અને તેમને અહિંસાના માર્ગ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
આચાર્યશ્રીની નેપાળની આઠ મહિનાની મુલાકાત દરમિયાન, અહિંસા યાત્રાને નેપાળ સરકાર અને નેપાળી નાગરિકોનો વિશેષ સહયોગ મળ્યો હતો.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય છે. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘની સ્થાપના લગભગ 262 વર્ષ પહેલાં થઈ હતી. આચાર્યશ્રી મહાશ્રમણજી ગ્રામ્ય અને શહેરી લોકો સાથે પદયાત્રા દરમિયાન સીધો સંપર્ક કરે છે.
તેમના જીવનના 60મા વર્ષમાં પણ તેઓ ચેરિટી માટે પ્રવાસ ચાલુ રાખે છે. પદયાત્રા દરમિયાન, આચાર્યશ્રીને પ્રસ્તુત કરવા માટે ઘણીવાર ગ્રામજનો પૈસા, ઝવેરાત વગેરે લઈને આવે છે,
ઘણા લોકો આચાર્યશ્રી માટે આશ્રમ બનાવવા માટે તેમની લાગણી પણ વ્યક્ત કરે છે. આચાર્યશ્રી તેમને કહે છે- ‘મારે નોટો નથી જોઈતી, ન વોટ, પ્લોટ, ભાવ, જો તમારે કંઈક આપવું હોય તો તમારો દોષ આપો. આ તમારા જીવનને વધુ સારું બનાવશે તે મારા માટે સાચી ભેટ હશે. આચાર્યશ્રી મહાશ્રમણજીના સક્ષમ નેતૃત્વ હેઠળ 800 સાધુ-સાધ્વીઓ, 40,000થી વધુ યુવા કાર્યકરો, 60,000થી વધુ મહિલા કાર્યકરો અને લાખો અનુયાયીઓ સામાજીક ઉત્થાનના કાર્યમાં જોડાયેલા રહે છે.