સરકારે અમને ભેંસ આપી, દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃધ્ધ વધીઃ—-લાભાર્થીશ્રી શારદાબેન ખોખરીયા
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આ વર્ષે દાંતા તાલુકામાં ૩૫૦૦ બહેનોને ભેંસો અપાઇઃ —પ્રોજેક્ટ ઓફિસરશ્રી ર્ડા. પ્રકાશભાઇ ચૌધરી
ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર. આદિજાતિ વિસ્તારોના ઝડપી, સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. આદિજાતિ વિસ્તારોમાં રૂબરૂ જઇને જોઇએ ત્યારે વિકાસ અને જાગૃતિનો સુંદર અનુભવ થાય. ઠેર ઠેર પાકા ડામર રસ્તાઓ, પુરતી સંખ્યામાં શાળાઓ અને હોસ્ટેલો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાના પાણીની સગવડ સહિત તમામ સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ, માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં ઝડપી અને સર્વાગી વિકાસ તેમજ સુશાસનથી ગુજરાત વિશ્વકક્ષાએ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઝડપી નિર્ણયો અને પ્રગતિશીલ અભિગમથી રાજય સરકારશ્રીના વિવિધ અભિયાનો અને યોજનાઓથી રાજયની વિકાસકૂચ વેગવંતી બની છે.
પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલ આદિજાતિ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે તથા પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે સરકારશ્રીની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે. આદિવાસી કુંટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી બનાવાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરીના નિયંત્રણ હેઠળ બનાસ ડેરી દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.
આ યોજના અન્વયે આદિજાતિ કુંટુંબને બે દૂધાળા પશુ તેમજ આનુસાંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં આદિજાતિ મહિલા લાભાર્થીઓને બે ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. ૫૪,૪૦૦/- છે. જેમાં ભારત સરકારશ્રી દ્વારા રૂ. ૧૭,૪૦૦/- ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧૫,૦૦૦/-ની સહાય અપાય છે તથા ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા રૂ. ૨૦,૦૦૦/- ની ૬ ટકાના સાદા વ્યાજની લોન આપવામાં આવે છે અને રૂ. ૨,૦૦૦/- લાભાર્થીનો ફાળો હોય છે. આદિજાતિ બહેનો આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે.
દાંતા તાલુકાના ગોઠડા ગામના વતની અને આ યોજનાના લાભાર્થી શ્રીમતી શારદાબેન રામજીભાઈ ખોખરીયાએ જણાવ્યું કે, સરકારે અમને ભેંસ આપી છે, રોજનું ૬ થી ૭ લીટર દૂધ ડેરીમાં આપીએ છીએ. દુધના પગારમાંથી છોકરાં ભણાવીએ છીએ, કરિયાણું લાવીએ છીએ, ઘરનું બધું હેડે જાય છે, સરકારનો ખુબ ખુબ આભાર માનતા આ યોજના ચાલુ રાખવા અપીલ કરી હતી.
તો ગોઠવા ગામના જ અન્ય લાભાર્થી શ્રીમતી નિશાબેન કેતનભાઈ અને પુષ્પાબેન ભરતભાઇ ખોખરીયાએ જણાવ્યું કે, અમને પણ આ યોજના હેઠળ ભેંસ મળી છે. જેનાથી દૂધની આવક થતા અમારા બાળકો હવે ઘરનું દૂધ પી શકે છે અને દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃદ્ધિ વધી છે. આ યોજના હેઠળ સરકારશ્રીએ અમને ભેંસો આપી છે તેનાથી અમારો પરિવાર સુખી થયો છે
સંકલિત ડેરી વિકાસ યોજનાથી અંતરીયાળ વિસ્તારમાં દૂધની આવકમાં વધારો થયો છે. તેમજ આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવતાં આ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિમાં સુખદ પરિવર્તન આવી રહ્યું છે. આવી યોજનાઓ આદિજાતિ બહેનો માટે આશીર્વાદરૂપ બની છે અને મહિલાઓ સ્વમાનભેર આત્મનિર્ભરતાથી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સંકલિત ડેરી વિકાસ યોજના- દાંતા સ્પેશ્યલ અંતર્ગત બનાસ ડેરીના પ્રોજેક્ટ ઓફિસરશ્રી ર્ડા. પ્રકાશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સરકારશ્રીની આ યોજના માટે બનાસ ડેરી અમલીકરણ સંસ્થા છે. આ વર્ષે ૩૫૦૦ના લક્ષ્યાંકને પૂર્ણ કરી દાંતા તાલુકા વિસ્તારમાં આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે. જેનાથી આ વિસ્તારમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેમની સુખ સુવિધામાં પણ ઉમેરો થયો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી