કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ કાંકણોલ ગામના પૂર્વ સરપંચ જયેશભાઇ મોતીભાઈ પટેલના ઘરે મુલાકત લીધી હતી.
ગામના લોકોએ મુખ્યમંત્રીશ્રીને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, તળાવ ભરવા, કમોસામી વરસાદને પગલે થયેલ પાક નુકસાનનું ગ્રામીણ સ્તરે સર્વે કરી વળતર આપવા અંગે જણાવ્યું હતું. વધુમાં કાંકણોલ ગામને શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત વિસ્તારમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી.
ગામના ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગે વાત કરતા જણાવ્યું હતું કે જમીનના સેટેલાઇટ સર્વે કરતા ટીમો દ્વારા સ્થાનિક સર્વે કરી ગામની જમીનમાં યોગ્ય જગ્યાએ રસ્તાના ઉપયોગ માટે જમીન મળે તે માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત ગામમાં પાણી શુદ્ધિકરણ માટે વ્યવસ્થા કરવા પણ વિનંતી કરી હતી.
કાંકણોલ ગામના લોકો સાથે વાર્તાલાપ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામમાં કોઈ પાણ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ મને જણાવી શકો છો.ગામના લોકોને સરકારીની તમામ યોજનાઓનો લાભ મળે છે કે નહીં તે અંગે ખાતરી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના વિકાસ કાર્ય કરવામાં આવે છે તેમાં ગ્રામીણ લોકોનું હિત સમાયેલું હોય છે. ગ્રામહિતના દરેક કામોમાં યોગ્ય ગુણવત્તાની જાળવણી કરવામાં આવશે આ અંગે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ સરપંચના ઘરે સહજતા પૂર્વક સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસીને ચા પીતા પીતા ગામના લોકો સાથે લોકપ્રશ્નોની ચર્ચા કરી હતી.